મોરબી : અપહૃત બાળકીની હત્યાની આશંકા વચ્ચે FSLની ટીમે તપાસ શરૂ કરી

- text


પોલીસે હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો, શકમંદોની ઊંડી પૂછપરછ હાથ ધરી

મોરબી : મોરબી નજીક આવેલા સીરામીક કારખાનામાં મજૂરી કરતા શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકીનું થોડા દિવસો પહેલા કોઇ અજાણ્યા શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ ગઈકાલે આ અપહૃત બાળકીનો મૃતદેહ આ કારખાનાની બાજુમાં આવેલ પાંજરાપોળ નજીકથી મળી આવ્યો હતો. આ બનાવનું સાચું કારણ જાણવા પોલીસે હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડયો છે. તેમજ ઘટનાસ્થળે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક આવેલ સીરામીક કારખાનામાં રહી મજુરી કામ કરતા એક શ્રમિક પરિવારની 7 વર્ષની પુત્રી બે દિવસ પહેલા કારખાનામાં રમતી હતી. તે વખતે બાળકી રમતા-રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી. આ બાળકીની તેના માતાપિતાએ શોધખોળ કરી હોવા છતાં પત્તો ન લાગતા ગઈકાલે બાળકીના પિતાએ પોતાની પુત્રીનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બનાવની ફરિયાદ બાદ પોલીસની તપાસમાં સીસીટીવી ફુટેજમાં બાળકી રમતા રમતા ક્યાંક જતી રહી હોવાનું દેખાઈ છે. પોલીસની તપાસ ચાલુ હતી ત્યારે આ અપહૃત બાળકીનો મૃતદેહ ગઈકાલે આ કારખાનાની બાજુમાં આવેલ પાંજરાપોળ નજીકથી આજે મળી આવ્યો હતો.

- text

આ અપહૃત બાળકીની હત્યાની શંકા વચ્ચે પોલીસ અને એસએફએલની ટીમે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે સર્કલ પીઆઇ કોઢિયાએ જણાવ્યું હતું કે બાળકીનો મૃતહેદ શંકાસ્પદ હાલતમાં મળી આવતા આ બનાવનું સાચું કારણ જાણવા હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડયો છે. ત્યારે આ બાળકીની હત્યા થઈ છે કે કેમ અને તેના પર કોઈ અઘટિત કૃત્ય થયું છે કે કેમ તે જાણવા એફએસએલની ટીમે ઘટનાસ્થળે બારીકાઈથી તપાસ હાથ ધરી છે અને પોલીસે શંકમંદોની પૂછપરછ હાથ ધરી છે અને ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ બનાવનું સાચું કારણ બહાર આવશે.

- text