આત્મનિર્ભરનું ઉત્તમ ઉદાહરણ : મોરબીના આ ગામમાં છે શહેરને ટક્કર આપે એવી સુવિધાઓ

- text


ખેતી, પશુપાલન અને નાના મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલ ગામમાં સુવિધાઓ થકી આત્મનિર્ભરનું ઉત્તમ ઉદાહરણ એટલે રાજપર ગામ

સીસીટીવી કેમેરા, ગામમાં ખુણે ખુણે સ્ટ્રીટ લાઇટ, આધુનિક સ્મશાન ઘાટ, ગામમાં ૩ થી ૪ હજાર લીલાછમ ઘટાદાર વૃક્ષો, બાગ-બગીચાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક, ગૌશાળા, સ્કુલ, લાઈબ્રેરી, સ્વચ્છ રોડ-રસ્તા, ઘરે-ઘરેથી કચરો એકઠો કરવાનું આયોજન


(ઘનશ્યામ પેડવા, સહાયક માહિતી નિયામક) મોરબી : વાત જયારે ગામડાની આવે ત્યારે સૌની ગોકુળ જેવુ ગામ યાદ આવે છે. જોકે આ ગોકુળીયું ગામની જો અનુભૂતી કરવી હોય તો મોરબીની નજીક આવેલ રાજપર ગામની મુલાકાત લેવી જ રહી. ગામની અંદર પ્રવેશ કરતાં જ ગામનું આહ્લાદક વાતાવરણ સૌ કોઇને આકર્ષી જાય છે. ઘટાદાર અને લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલ આ ગામમાં ૩ થી ૪ હજાર વૃક્ષો સમગ્ર રાજપર ગામનું આભૂષણ છે.

રાજપરની મુલાકાત બાદ સૌ કોઇના મુખે નીકળી જ જાય કે આ ગામમાં તો શહેર કરતાં પણ વધુ સુવિધાઓ આવેલ છે. ગામની સુખ, શાંતિ અને સલામતીનું મુખ્ય કારણ અહીંના ગ્રામવાસીઓનો સંપ છે.

અગાઉ આ ગામમાં બે-ત્રણ વર્ષ દરમિયાન સંસદસભ્યની ગ્રાન્ટમાંથી બાયપાસ રોડનું ૪ લાખના ખર્ચે મેટલીંગ કામ, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાયપાસ રોડનું ૩ લાખના ખર્ચે કેનાલનું કામ, પાંચ ટકા પ્રોત્સાહિત યોજના ગ્રાન્ટમાંથી ૫ લાખના ખર્ચે પુર સંરક્ષણ દિવાલનું કામ, ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અમૃતાલય પાસેના મેદાનનું સી.સી. કામ અંદાજે ૪.૫ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. સ્મશાનની દિવાલ બનાવવાનું કામ ૫ લાખના ખર્ચે, ગામની શેરીઓમાં સી.સી. રોડ અંદાજે ૧૧.૮ લાખના ખર્ચે અને નવા રાજપરમાં શેરીના સી.સી. રોડનું કામ ૧૨.૫ લાખના ખર્ચે કરવામાં આવ્યું.

આ ઉપરાંત એ.ટી.વી.ટી. યોજના અંતર્ગત સી.સી. રોડનું કામ ૩ લાખના ખર્ચે, ગ્રામ પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી અંદાજે ૫ લાખના ખર્ચે તળાવની પારને પુર સંરક્ષણ દિવાલનું કામ અને બસ સ્ટેન્ડ બનાવવાનું કામ ૨.૨ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ૧૫ ટકા વિવેકાધિન યોજના અંતર્ગત બાયપાસ પર ૩ લાખના ખર્ચે કોઝવેનું કામ, તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ૪.૫ લાખના ખર્ચે ગૌ શાળાવાળો સી.સી. રોડ, રાષ્ટ્રીય તહેવાર ઉજવણી ગ્રાન્ટ અંતર્ગત ૫ લાખના ખર્ચે અને જિલ્લા પંચાયતના સ્વભંડોળના ૪ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના મેદાનનું પેવર બ્લોકનું કામ કરી ગામ લોકોની સુવિધા વધારવામાં આવી છે.

ગામના તલાટી મંત્રીશ્રી મહમદહનીફ મનસુરીએ જણાવ્યું કે ગામમાં છેલ્લા પંદર વર્ષથી ગામ પંચાયતની ચૂંટણી થયેલ નથી અને ગામના દરેક લોકો ગામના વિકાસમાં સહભાગી થઈને પ્રયત્ન કરે છે.

આમ તો રાજપર ગામ ખેતી, પશુપાલન અને નાના મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલુ છે. ગામની એકતા અને સંપના કારણે અત્યાર સુધી સામુહિક નિર્ણય થકી ગામમાં અનેક પ્રકારની સુવિધાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગામમાં પ્રાથમિક શાળા, લાયબ્રેરી, સ્વચ્છ રોડ-રસ્તા, સી.સી ટી.વીથી સજ્જ બાગ-બગીચાઓ, ૨૪ કલાક પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક, અત્યાધુનિક ગૌશાળા, ભૂગર્ભ ગટર યોજના શહેરી સુવિધાઓને ટક્કર આપે તેવી એક ગામડાની સુવિધા આ ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ગામની તમામ શેરીમાં સ્ટ્રીટ લાઇટની રોશનીથી સમગ્ર ગામ રાત્રીના અંધારામાં ઝગમગી ઉઠે છે.

આ ગામની ખાસિયતતો એ છે કે અહીં સરપંચની ચૂંટણી છેલ્લા પંદર વર્ષથી થઈ નથી. એટલે કે ગ્રામજનો અહીં સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર બિનહરીફ જાહેર થાય છે.

તાલુકા પંચાયતના સદસ્યશ્રી વિજયભાઈ કોટડીયાએ જણાવ્યું કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈને ગામના દરેક રોડ સી.સી.રોડથી પૂર્ણ થયેલ છે. તેમજ હાલમાં અમારા ગામમાં સરકારશ્રીએ નવુ એરપોર્ટ બનાવવા માટે મંજુર કરેલ છે. આમ રાજપર એક આદર્શ ગામ છે અને ગામ સંપૂર્ણ સુવિધાથી સજ્જ છે.

- text

આ રાજપર ગામ જિલ્લાના મુખ્ય મથક મોરબીને અડીને આવેલું હોવાથી અગાઉ આ ગામમાંથી અનેક યુવાનોએ કામ-ધંધાને કારણે સ્થળાંતર કરેલ છે એ યુવાનો આજે પણ પોતાના વતન આવીને સુવિધાઓ જોઇને હાંસકારો અનુભવે છે.

અહીં ગામની બહાર સ્મશાન આવેલું છે જેમાં ૩૦૦ થી ૪૦૦ જેટલી ઔષધીઓ આવેલી છે. એટલું જ નહીં આ ગામના બાળકો થી લઇને મોટેરાઓમાં સંસ્કારનું સિંચન સતત થયા કરે તે માટે મંદિરમાં વિવિધ સંસ્થા દ્વારા પ્રાર્થનાસભા, ભજન અને કાર્યક્રમો યોજવામાં આવે છે.

રાજપર તાલુકા શાળાના મદદનીશ શિક્ષકશ્રી દિનેશભાઈ ભેસદળીયા જણાવ્યું કે ફુલકી નદીના કિનારે વસેલુ આ રાજપર ગામ વર્તમાન સમય પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરતુ ગામ છે. ગામમાં સફાઈની ખુબજ કાળજી લેવામાં આવે છે અને દરેક ઘર ગટર યોજના થી જોડાયેલા છે તેમજ ગામમાં છેલ્લા ચાર વર્ષ થી પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવો કરીને ગામ પ્રદુષણ મુક્ત રહે તેની કાળજી લેવામાં આવે છે.

ગામ સ્વચ્છતાની બાબતમાં પણ ઘણુ આગળ છે. અહીંની પંચાયત દ્વારા ટ્રેકટર દ્વારા શેરીએ શેરીએ જઇને કચરો એકઠુ કરવાનું કામ કરવામાં આવે છે. એકઠો કરાયેલ આ કચરો ગામની બહાર બનાવામાં આવેલ કુંડીમાં નાખીને તેનો નિકાલ કરે છે.

ભારત દેશ જયારે વિવિધતામાં એકતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે ત્યારે રાજપર ગામના સૌ જ્ઞાતિબંધુઓ એકસાથે હળી મળીને રહે છે અને ગામના વિકાસમાં એકબીજાને સાથ સહકાર આપે છે. આ સિવાય ગામમાં આવેલ ગૌ શાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે.

રાજપર ગામમાં પાયાની જરૂરીયાત શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, બેન્ક, લાઇટ, પીવાનું પાણી ૨૪ કલાક, પુસ્તકાલય અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ આવેલી છે. આ સિવાય પશુઓની પણ રાજપર ગામવાસીઓ સારી સંભાળ રાખે છે તેના માટે ગામમાં જ પશુ દવાખાનું બનાવેલ છે.

- text