નવા સીમાંકન મુજબ શનાળા અને અમરેલી ગામ મોરબી પાલિકામાંથી બહાર કરાયા

- text


નવા સીમાંકન પ્રમાણે 2015માં મોરબી પાલિકા હસ્તકના બે ગામોની બાદબાકી

મોરબી : રાજય ભરમાં એક તરફ વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે પક્ષ, વિપક્ષ સહિત ચૂંટણી તંત્ર એની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પણ તખ્તો ઘડાઈ રહ્યો છે. જેના ભાગરૂપે અલગ અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના સીમાંકનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે સીમાંકન કાર્યવાહીને હવે અભેરાઈ પરથી ઉતારવામાં આવી રહી છે. પાલિકાના વોર્ડ રચના, વિસ્તાર તેમજ અનામત વોર્ડ અંગેનું સંપૂર્ણ સીમાંકન તૈયાર કરી જાહેર કરી દેવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકાનું સીમાંકન પણ તાજેતરમાં જાહેરાત કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાનું સીમાંકન 2011ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લઇ કરવામાં આવ્યું છે. 2011ની વસતી ગણતરી મુજબ જિલ્લાની કુલ વસ્તી 2,02,035 હતી. જે પૈકી 10,093 અનુ.જાતિ, 890 અનુસૂચિત આદી જાતિ અને 56,999 પછાત જાતિની વસ્તી હતી. નવા સીમાંકન મુજબ વોર્ડની રચના વસ્તી ગણતરી આધારે કરવામાં આવી છે. મોરબી શહેરમાં ગત નગરપાલિકાની ચૂંટણી મુજબ જ હાલ 13 વોર્ડ અને 52 બેઠકની સંખ્યા યથાવત રાખવામાં આવી છે. જેમાંથી 29 બેઠક અનામત જ્યારે 23 બેઠક સામાન્ય બેઠક તરીકે જાહેર કરવામાં આવી છે. અનામત બેઠકની વાત કરીએ તો 2 અનુ.જાતિ મહિલાની જ્યારે એક પુરુષ અનુ.જાતિ માટે અનામત જાહેર કરી છે. તો પછાત વર્ગની પણ 5 બેઠક અનામત રાખવામાં આવી છે જેમાંથી ત્રણ બેઠક પછાત વર્ગની મહિલાઓ જયારે 2 બેઠક પછાત વર્ગના પુરુષ માટે અનામત જાહેર કરવામાં આવી છે. જયારે 21 બેઠક સ્ત્રીઓ માટે અનામત રાખવામા આવી છે. નવા સીમાંકન મુજબ મત વિસ્તારમાં પણ ફેરફાર થયો છે. નવા ફેરફાર મુજબ પાલિકાથી ફરી ગ્રામ પંચાયત તરીકે અસ્તિત્વમાં આવેલ શનાળા અને અમરેલી ગામને બાકાત રાખવામાં આવ્યા છે.

- text

નોંધનીય છે કે શહેરોના સપ્રમાણ વિકાસ માટે ગ્રામીણ વિસ્તારોને શહેરોમાં ભેળવવામાં આવતા હોય છે. આથી ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થાય અને શહેરોમાં મળતી પ્રાથમિક સુવિધાઓ મળતી થાય. માળખાગત સુવિધાઓનો પણ વિસ્તાર થાય. જો કે 2015ની સાલમાં મોરબી પાલિકા હસ્તક આવતા બે ગામો શનાળા અને અમરેલીને હવે ગ્રામપંચાયત હેઠળ તબદીલ કરવામાં આવ્યા છે.

- text