મોરબી સેવા સદનની કચેરીમાં સ્વચ્છતા જાળવવામાં તંત્ર બેદરકાર

- text


મોરબી : “સ્વચ્છતા જ્યાં, ઈશ્વરનો વાસ ત્યાં” જેવા સૂત્રો માત્ર કહેવા સાંભળવા પૂરતા જ સારા લાગે, પણ એનો અમલ કરવાની વાત આવે ત્યારે ખાસ કરીને સરકારી કચેરીઓમાં આવા સુત્રોનો ઉપહાસ થતો હોય એવું જોવા મળતું હોય છે. મોરબીની સરકારી કચેરીઓ પણ દેખાડવાના અને ચાવવાના જુદા જુદા દાંત હોય એ સૂત્રને જ સાર્થક કરતી હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.

- text

મોરબી જિલ્લાના વડા અધિકારી જે કચેરીમાં બેસે છે અને આખા જિલ્લાનું સરકારી સંચાલન, મોનીટરીંગ કરે છે એ સેવા સદન કચેરીની હાલત સ્વચ્છતાની બાબતે દયનિય છે. સ્વચ્છતા જાળવવા માટેના બેનરો અને અન્યથા દંડનીય કાર્યવાહીના હુકમોના બેનરો પણ ઠેર ઠેર લાગેલા છે. જો કે ખાટલે મોટી ખોટ હોય એમ આવા બેનરો લગાવીને જ તંત્ર સંતુષ્ઠ છે અને પોતાની જવાબદારી પુરી થઈ ગઈ છે એવું માનીને ચાલી રહી છે. સેવા સદનમાં સ્વચ્છતાની જાળવણી માટે કોઈ સુયોગ્ય મોનીટરીંગ ન હોય એવું ઠેર ઠેર પાન-ફાકી ખાનારાઓએ મારેલી પિચકારીઓ અને તેને કારણે થતી ગંદકી જોઈને લાગી રહ્યું છે. સેવા સદનની દીવાલો પર ચિતરી ચડે એવા દ્રશ્યો મુલાકાતીઓને રોજ જોવા પડે છે. અલબત્ત ઘણા મુલાકાતીઓ પણ એવા હશે કે જેઓ ગંદી થયેલી દીવાલોને વધુ ગંદી કરવામાં પોતાનું યોગદાન આપતા હશે. આવા લોકો માટે દંડનીય કાર્યવાહીની જોગવાઈ છે અને એ અંગેના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ દંડનીય કાર્યવાહી કરવામાં તંત્રની નિષ્ઠાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. લોકોમાં થતી ચર્ચા મુજબ જિલ્લામાં સ્વચ્છતાનું પાલન કરાવવાની શરૂઆત સૌથી પહેલા સેવા સદનના આંગણેથી કરે.

- text