મોરબી પાલિકાના ચેરમન દ્વારા જ રોડ સહિતના કામોમાં ભષ્ટ્રાચારની આશંકા વ્યક્ત કરાઈ

- text


રોડ-રસ્તા માટે 7 કરોડના કામો મંજુર, પણ અમલવારી ન થઈ! : રસ્તાના કામો માટે ઉઠાવેલા વેધક સવાલો અંગે ત્રણ દિવસમાં યોગ્ય ખુલાસો ન થાય તો અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી

મોરબી : મોરબીમાં ગત વર્ષે પડેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ બેહાલ બન્યા બાદ ઓક્ટોબર 2019માં સામાન્ય સભામાં શહેરના મુખ્ય માર્ગો અને પેટા રસ્તાઓને રીપેર કરવાનું રૂપિયા 7 કરોડના કામો મજૂર કરાયું હતું. પણ રોડના કામોમાં યોગ્ય અમલવારી થઈ નથી અને આ રોડ બનાવવાના કામોમાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયાનો આક્ષેપ ખુદ પાલિકાના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેને કર્યો છે. તેમણે રોડના કામોમાં અનેક વેધક સવાલો કર્યા છે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને ત્રણ દિવસમાં યોગ્ય ખુલાસો ન થાય તો અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી આપી છે.

મોરબી પાલિકાના સત્તાધારી પક્ષ કોંગ્રેસના સદસ્ય અને પાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન કે. પી. ભાગિયાએ ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું હતું કે ગત 17 ઓક્ટોબર, 2019ના રોજ સામાન્ય સભામાં શહેરના મુખ્ય માર્ગો અને પેટા માર્ગો મળી કુલ 37 રોડ-રસ્તાઓના કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા સર્વસંમતિથી મંજુર કરવામાં આવ્યા હતા. જો કે 9 માસ જેટલો સમય પસાર થવા છતાં આ કામો શરૂ ન થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. તેમણે આ રોડના કામો મામલે અનેક અણીયારા સવાલો ઉઠાવીને રોડના કામોમાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયાનો આક્ષેપ કર્યો હતો.

- text

રૂ. 7 કરોડના કામોમાંથી માત્ર રૂ. 70 લાખ રૂપિયા જ શહેરના રોડ-રસ્તાના રી-સરફેસિંગ માટે વપરાયા હોત તો પણ આજે મોરબી શહેરના રસ્તાની આટલી અવદશા થઈ ન હોત. આ દરેક સવાલોના ક્રમબદ્ધ જવાબો જો 3 દિવસમાં મોરબી નગરપાલિકા નહીં આપે તો આવનારા દિવસોમાં શહેરીજનોને સાથે રાખીને પાલિકાના ગ્રાઉડમાં ખાડા નગરીનું પ્રતીક બનાવીને ગાંધી ચિંધ્યા માર્ગે અન્નજળનો ત્યાગ કરી આંદોલન કરવાની ચીમકી આપી છે ત્યારે હવે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.

રોડના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી : પાલિકા પ્રમુખ

રોડના કામમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપ મામલે પાલિકા પુમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે રોડના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી. 14માં નાણાંપંચની જે રકમ જમા થઈ હતી. તે અંગે કાયદેસરની ઓનલાઈન ટ્રેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે અને રૂ. 7 કરોડના રસ્તાના કામો મંજુર થયા હતા. જેમાંથી રૂ.3 કરોડથી વધુના કામો થઈ ગયા છે. બાકીના રસ્તાના કામો ચાલુ છે. જોકે રોડના કામમાં લોકડાઉનના લાંબા તબક્કાની કારણે વિલંબ થયો હતો. તે વખતે મજૂરો ન હતા અને ત્યારબાદ વરસાદ પડ્યો હતો. આથી, હાલ રોડના બાકીના કામો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પણ તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી સંપર્ક થઈ શકયો ન હતો.

- text