રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના પત્ની-પુત્ર અને બે સહ બેંકકર્મીઓના સેમ્પલ લેવાયા

- text


મોરબીમાં દાખલ અન્ય એક શંકાસ્પદ દર્દીનું પણ સેમ્પલ લેવાયું : રિપોર્ટની જોવાતી રાહ

મોરબી : શહેરના રવાપર રોડ સ્થિત શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંકકર્મી હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાનું કોરોનાની સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત થતા મોરબી જિલ્લામાં કોરોનાથી પહેલું મૃત્યુ નોંધાયું છે. ત્યારે આરોગ્ય તંત્રએ તકેદારીના ભાગરૂપે મૃતકના એપાર્ટમેન્ટને સીલ કરવાની કવાયત આદરી છે અને મૃતકના સંપર્કમા આવેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. જો કે મૃતકના પત્ની-પુત્ર અને બે બેંક સહકર્મીઓના સેમ્પલ લઈ લેબ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબીના 34 વર્ષીય એક યુવાનના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવાનને શંકાસ્પદ લક્ષણોને લઈ સિવિલમાં હાલ ઓબ્ઝર્વેશન માટે દાખલ કરવામાં આવ્યો છે.

- text

કોરોનગ્રસ્ત હેમાંગભાઈનું મોત થતા આરોગ્ય તંત્ર દ્વારા મૃતકના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે એમ જણાવતા જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ માહિતી આપી હતી કે, મૃતકના પત્નિ તેમજ તેમના પુત્ર તેમજ તેમની સાથે ક્લોઝ કોન્ટેકટમાં કામ કરતા બેન્કના બે કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ હાલ લેવામાં આવ્યા છે. આ સંદર્ભે જરૂર પડ્યે બેન્કના અન્ય કર્મચારીઓના ખાસ ટેસ્ટ કરવામાં આવશે જેઓ મૃતકના સંપર્કમાં આવ્યા હતા. આ માટે બેંકના સીસીટીવી ફુટેજની ચકાસણી ચાલી રહી છે. જેના આધારે મૃતક કઈ કઈ વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યા હતા તે જાણી શકાય. છેલ્લે મળતી વિગતો પ્રમાણે બેન્કના સ્ટાફમાંથી બે વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો પૈકી અમુક લક્ષણો જણાયા હોવાની આશંકાના કારણે તે બે બેન્ક કર્મીના સેમ્પલ લેવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મૃતક હેમાંગભાઈ છેલ્લા 10 દિવસ દરમ્યાન એક વખત જ બેંકમાં ગયા હતા અને ખુબ ઓછા લોકોના સંપર્કમાં આવ્યા હતા આમ છતાં આરોગ્ય વિભાગ કોઈ જોખમ લેવા માંગતું નથી એમ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ અંતમાં ઉમેર્યું હતુ.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text