મોરબીના ધારાસભ્ય મેરજાએ માર્કેટીંગ યાર્ડના ચણા ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી

- text


ધારાસભ્યએ મોરબી-માળીયા(મી.)ના ખેડૂતોને સીંચાઈનું પાણી આપવાના રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ આવકાર્યો

મોરબી : મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીના માર્કેટીંગ યાર્ડના ચણા ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ ધારાસભ્યએ મોરબી- માળીયા(મી.)ના ખેડૂતોને સીંચાઈનું પાણી આપવાના રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને આવકાર્યો હતો.

મોરબી ખેત ઉત્પન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. તે અંગે સ્થળ પર ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુલાકાત લઈ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા સાથે વિષદ ચર્ચા કરી માહિતી મેળવી હતી. મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા પણ સાથે રહ્યા હતા. સાથોસાથ પીપળીયા ચાર રસ્તા પાસે CCI ના મંજૂર કરાયેલ ખરીદ કેન્દ્રને તાકીદે ચાલુ કરવાની આનુષાંગિક બાબત અંગે પણ ધારાસભ્યએ યાર્ડના ચેરમેન સાથે પરામર્શ કર્યો હતો. ખેડૂતોને આ કપાસ ખરીદ કેન્દ્રમાં મુશ્કેલી ન પડે તે માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મોરબી – માળીયા (મી.) વિસ્તારમાથી નર્મદાની માળીયા (મી), ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલો દ્વારા ખેડૂતોને ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે સીંચાઈનું પાણી મળવા અંગે રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તેને આવકારતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે હાલ કોરોનાને કારણે ઉભી થયેલ વિષમ પરિસ્થિતીમાં ખેડૂતોને દરેક પ્રકારે ઉપયોગી થવાય. તે હેતુસર રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને મોરબી પંથકના ખેડૂતો અને પ્રજાના હિતમાં જેમ CCIનું કપાસ ખરીદીનું કેન્દ્ર ખોલવામાં સહિયારા પુરુષાર્થ કર્યા તે મુજબ ખેડૂતોને સીંચાઈનું પાણી મળે તે માટે પણ આવા પ્રયાસ જરૂરી હોવાનું મોરબી – માળીયા (મી.) ના ખેડૂત આગેવાનોનું પણ વિધેયાત્મક વલણ અને દિશા સૂચન મળતું રહ્યું છે.

- text

વર્ષ 2017માં ઘોડાધ્રોઈ નદીમાં જે રીતે પાણી ઠાલવીને માળીયા (મી.) અને મોરબી તાલુકાનાં તળાવો ભરવા પાણી છોડેલ તે મુજબ આ ચોમાસા પહેલા પણ જેતપર-મચ્છુ, રાપર, ઝીકીયાળી, ચકમપર, વાધરવા, ખાખરેચી સહિતના સંબંધિત ગામોના તળાવો સીંચાઈના પાણી દ્વારા ભરાય તેમ કરવાથી પાણીના સ્તર ઊંચા આવશે. એકંદરે ખેતીની જમીનને ફાયદો થશે.

તદુપરાંત માળીયા (મી.) તાલુકાનાં ખીરસરા, નાના ભેલા અને તરઘરી વચ્ચેના કડવાસર અને મહેન્દ્રગઢ પાસેના બોડા હનુમાનનું તળાવ પણ મચ્છુ 2ની કેનાલ થકી સરળતાથી ભરી શકાય તેમ છે. આ અંગે સિંચાઇ વિભાગને આગોતરી રજૂઆતો પણ કરેલી છે. તે મુજબ ગ્રામ્ય તળાવો ભરવા તેમજ સૌની યોજનામાથી મોરબી – માળીયા (મી) પંથકને સીંચાઈનું પાણી મળી રહે તેવું આગોતરૂ આયોજન તાત્કાલિક થાય તેવી માંગણી બ્રિજેશ મેરજાએ ખેડૂતોના વ્યાપાક હિતમાં કરી છે.

મોરબી-માળીયા (મી) ના 52 ગામો માટે મચ્છુ 2 આધારિત સીંચાઈના વિસ્તરણની માંગણી પણ મંજૂર કરાવવામાં બિન રાજકીય ધોરણે ખેડૂતોના હિતમાં ધારાસભ્યએ સૌનો સહકાર માંગ્યો છે. આમ, મોરબી – માળીયા (મી.) વિસ્તારના સિંચાઇ, ઉધ્યોગ, નાના વેપારીઓ સહિત સામાન્ય વર્ગના આર્થિક ઉપાર્જન માટે સૌ કોઈનો સહકાર અનિવાર્ય અને આવકાર લેખાવ્યો છે. મોરબી તાલુકા પ્રમુખ કે. ડી. પડસુંબિયા, અગ્રણી લાભુભાઇ અઘારા તેમજ માળીયા (મી) તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર. કે. પારજીયા, કુંભારીયા સરપંચ કાંતિલાલ દેત્રોજા વગેરે સાથે પાણી, સિંચાઈ તેમજ રસ્તાના કામો બાબતે ધારાસભ્યએ ચર્ચા કરી હતી.

- text