મોરબીના ટ્રાફિક જવાનોએ અબોલ જીવોની ખેવના કરી માનવતા મહેકાવી

- text


મોરબી : મોરબીમાં લોકડાઉનની ચુસ્તપણે અમલવારી થાય તે માટે શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક જવાનો કાર્યરત છે. તેઓ રાત-દિવસ જોયા વિના જીવના જોખમે અને પોતાના પરિવારની પરવાહ કર્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક જવાનોએ ફરજ ઉપરાંત અબોલ જીવોની ખેવના કરીને માનવતા મહેકાવી છે.

- text

મોરબીના શાક માર્કેટ ચોક પર પોતાની ફરજમાં તૈનાત રહેતા ટ્રાફિક પોલીસ રાજુભાઈ દરરોજ રાત્રે 14-15 જેટલા શ્વાન-ગલુડિયાંઓને સ્વખર્ચે દૂધ ખરીદીને પીવડાવે છે. તેમજ નહેરુ ગેટ ચોક પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો અમુભાઈ હુંબલ તથા અઝરુભાઈ પણ શ્વાનો અને તાજા જન્મેલા ગલુડિયાંઓને દૂધ પીવડાવે છે. આ જ રીતે ટ્રાફિક પોલીસ વનરાજસિંહ ગાંધી ચોકમાં ફરજ નિભાવતા હતા ત્યારે શ્વાનો માટે દૂધ પીવાની વ્યવસ્થા કરી આપતા હતા. તેમજ હાલમાં તેઓ નહેરુ ગેટ ચોક પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓએ પુલની નીચે ચબુતરો બનાવ્યો છે. જ્યાં તેઓ નિયમિત રીતે પંખીઓ માટે દાણા નાખે છે. જો કે એક વખત ઉડી શકવા અસક્ષમ એવા કબુતરની પાછળ કુતરાઓ પડ્યા હતા. આ ઘટના જોઈને તેઓને ચબુતરો બનાવવાનો વિચાર આવ્યો હતો. આમ, મોરબીના ટ્રાફિક જવાનો અબોલ જીવોની ખેવના કરી માનવતા મહેકાવી રહ્યા છે.

- text