શ્રમિકોને પડતી હાલાકી દૂર કરવા સિરામિક એસો.ની કલેકટર સાથે બેઠક, પ્રક્રિયામાં અનેક જરૂરી સુધારા કરાયા

- text


 

મોબાઈલ વાન દ્વારા દરેક ફેકટરીએ જઈને શ્રમિકોને હેલ્થ સર્ટિફિકેટ આપવાનું શરૂ : સિરામિક એસો.એ કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો : કારીગરોને વતન પહોંચાડવા ટ્રેન શરૂ કરવાની કવાયત

મોરબી : મોરબી જિલ્લાના શ્રમિકોને વતન જવા માટે જે પ્રક્રિયા અનુસરવાની રહે છે. તેમાં શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આજે સિરામિક એસોસિએશન દ્વારા કલેકટર તંત્ર સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ પ્રક્રિયામાં ઘણા સુધારા નક્કી કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી શ્રમિકોને મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે આરોગ્ય કેન્દ્ર સુધી જવું પડતું હતું. પરંતુ આ બેઠકમાં મેડિકલ સર્ટિફિકેટને લગતો પ્રશ્ન દૂર કરવામાં આવ્યો છે. જેમાં હવે રોડવાઈઝ મોબાઇલ વાન જે અલગ અલગ રોડ ઉપર ફેક્ટરીમાં જઈને કામદારોના મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપશે. આ માટે 12 આરોગ્ય ટિમ બનાવવામાં આવી છે. અને રોડ વાઈઝ એક- એક કમિટી મેમ્બરને જવાબદારી સોંપેલ છે. અલબત્ત આ નિર્ણયની અમલવારી આજે બપોરથી જ શરૂ થઈ ગઈ છે અને ફેક્ટરીએથી જ અનેક શ્રમિકોને મેડિકલ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે.

- text

દરેક ફેક્ટરીમાં પણ શ્રમિકોને વતન જવાની મંજૂરીની ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે સ્ટાફ રાખવામાં આવશે. જેથી શ્રમિકોને તકલીફ ન પડે અને એપ્લિકેશન વ્યવસ્થિત થઇ શકે. વધુમાં શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે ટ્રેન શરૂ કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. જેના માટે વહીવટી તંત્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે. આ માટે એસોસિએશન દ્વારા પણ દરેક શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

એસોસિએશન દ્વારા કારીગરોને તકલીફ ના પડે તે માટે કોલ સેન્ટર માહિતી આપવા માટે ચાલુ થશે. જેમાં હેલ્થ ચેક અપ તેમજ પરમિશન માટે અરજીઓ તેમજ વાહન માટે શું શું કરવું તેની માહિતી પોતાના મેમ્બરને અપાશે. અને આ હેલ્પલાઇન તા. ૪/૪/૨૦૨૦ થી સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી કાર્યરત રહશે જેના નંબર ૯૭૨૭૫૭૦૮૫૦ અને ૯૯૭૯૪૪૨૮૫૦ છે .
તેમ છતાં વ્યવસ્થા જળવાય તે માટે એસોસિએશન જરૂર પડ્યે જે પણ કરવું પડે તે વહીવટી તંત્ર સાથે રહીને કરશે અને પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે તેમ સીરામીક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું છે.

વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ કારીગરોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે તેઓ મેડિકલ સર્ટિફિકેટ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ધક્કો ન ખાય. તેઓ માટે દરેક ફેક્ટરીઓમાં જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માટે ફેકટરીના મલિકને જ મેડિકલ સર્ટિફિકેટ માટે જણાવો.

- text