રાજપર ગામે 2 હજારથી વધુ લોકોને શાકભાજીનું વિનામૂલ્યે વિતરણ કરતા સેવાભાવી

- text


લોકડાઉનમાં ગામલોકો શાકભાજી લેવા ઘરની બહાર ન નીકળે તે માટે વિનામૂલ્યે શાકભાજી આપવાનો ગામના અગ્રણીનો સેવાયજ્ઞ

મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન જરૂરિયાત મંદોને રાશન કીટ, ભોજન સહિતની અનેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અલગ અલગ સંસ્થાઓ અને સેવાભાવી લોકો પુરી પાડી રહ્યા છે. આવા જ એક મોરબીના રાજપર ગામના સેવાભાવી તેમના ગામલોકો માટે લોકડાઉન શરૂ થયું ત્યારથી જ સેવાયજ્ઞ ચલાવે છે. જેમાં ગામ લોકોને લોકડાઉનનો અમલ જળવાઈ રહે અને લોકો પણ શાકભાજી માટે ઘરની બહાર ન નીકળે તે માટે આ સેવાભાવી તેમને વિનામૂલ્યે ઘરેબેઠા શાકભાજીની જરૂરિયાત પૂરી પાડે છે.

- text

મોરબી નજીક આવેલા રાજપર ગામની ગૌશાળા પ્રમુખ અને મૂળ આ ગામના વતની અને હાલ મોરબી રહેતા કેશવજીભાઈ સોપારીવાળા લોકડાઉન શરૂ થયું ત્યારથી જ તેમના ગામના લોકો માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. લોકડાઉનમાં લોકોને દૂધ, શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે જ ઘરની બહાર નીકળવાની છૂટ છે.પણ રાજપર ગામના લોકો શાકભાજી લેવા માટે પણ ઘરની બહાર ન નીકળે તેની ખાસ તકેદારી રાખવા માટે આ સેવાભાવી અગ્રણી કેશવજીભાઈ ગામલોકોને દરરોજ વિનામૂલ્યે એકદમ શુદ્ધ અને તાજી શાકભાજી આપવાનો સેવાયજ્ઞ લોકડાઉન શરૂ થયું ત્યારથી જ ચલાવે છે. તેઓ આ ગામમાં આશરે 2 હજારથી વધુ લોકોને દરરોજ શાકભાજીનું વિતરણ કરે છે. સાથોસાથ ગામની બહાર રહેતા કારખાનાના શ્રમજીવીઓને વિનામૂલ્યે શાકભાજી આપે છે. આ વિનામૂલ્યે શાકભાજી વિતરણનો ખર્ચો તેઓ એકલા હાથે જ ઉઠાવે છે. આ સેવાભાવી અગ્રણીના આ સેવાકાર્યથી ગામ લોકોને શાકભાજી લેવા માટે ઘરની બહાર નીકળવું પડતું નથી.અને લોકો ઘરમાં રહે છે. તેથી, લોકડાઉનનો પણ યોગ્ય રીતે અમલ થાય છે.

- text