મોરબી બેંક લૂંટ અપડેટ : પોલીસે હળવદથી ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, લૂંટારૂઓ કાર મૂકીને વાડીમા સંતાઈ ગયા ‘તા

- text


 હળવદની મોરબી ચોકડીએ ખાનગી કારમાં બેઠેલા પોલીસ જવાનોની ટિમે કાર ઉપરથી લૂંટારૂઓને ઓળખી લીધા, લૂંટારૂઓ પોલીસને જોઈને યુ ટર્ન લગાવીને ભાગ્યા : ગ્રામજનોએ પણ લૂંટારૂઓને પકડવામાં કરી મદદ

મોરબી : મોરબીના બેંક લૂંટવાના ચકચારી પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી છે. માત્ર ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈને કાનૂનના હાથ હકીકતમાં લાંબા હોવાનો એક દાખલો બેસાડ્યો છે. આ કામગીરીમાં હળવદ પોલીસનો મહત્વનો રોલ રહ્યો છે. પોલીસ જવાનોએ ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીઓને દબોચી લીધા છે.

પોલીસના આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આજે બપોરના અરસામાં છ જેટલા લૂંટારુઓએ બંદૂકની અણીએ બેંકમાંથી રૂ. 6 લાખની લૂંટ ચલાવી હતી. સાથોસાથ બેંકના કેટલાક ગ્રાહકોના પર્સ તેમજ મોબાઈલ પણ લૂંટી લીધા હતા. જો કે આ ઘટનાની જાણ થતા વેંત જ પોલીસ અધિકારીઓએ બનાવ સ્થળે દોડી આવીને કંટ્રોલ રૂમને જાણ કરી સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી હતી. આ બનાવને પગલે સમગ્ર જિલ્લાની પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

લૂંટારૂઓ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં ભાગ્યા છે. તેવી હિન્ટ સમગ્ર જિલ્લાના પોલીસને મળી હતી. જેના પગલે હળવદ પોલીસના જવાનો અરવિંદભાઈ ઝાપડીયા, અરજણભાઈ ભરવાડ, ભરતભાઇ આલ, વિક્રમભાઈ સિહોરા સહિતના ખાનગી ગાડીમાં પેટ્રોલીંગ પર નીકળ્યા હતા. તેઓ હળવદમાં મોરબી ચોકડી પાસે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર જોતા જ સતર્ક બની ગયા હતા. સામે લૂંટારૂઓએ પણ પોલીસના ડ્રેસમાં જવાનોને જોઈને કારને યુ ટર્ન લગાવ્યો હતો.

- text

બાદમાં ફિલ્મી ઢબે પોલીસ જવાનોએ લૂંટારૂની કારનો પીછો કર્યો હતો. લૂંટારૂઓ હરીદર્શન હોટેલ પાસેથી કેનાલવાળા રસ્તે થઈને નેરૂપર ગામ, ત્યાંથી ગોલાસણ, સરા, સુંદરીભવાની અને ત્યાંથી ચુપણી ગામે પહોંચ્યા હતા. જ્યા તેઓએ ચુપણી અને રામપરાની વિડમાં પહોંચીને સ્વીફ્ટ કારને રેઢી મૂકી દીધી હતી.અને નાજાભાઈ નામના માલધારીની વાડીમા વાવેલી મકાઈમાં સંતાઈ ગયા હતા. બાદમાં પોલીસે પણ ત્યાં પહોંચીને ચારેય લૂંટારૂઓને દબોચી લીધા હતા. જો કે આ કામગીરીમાં સ્થાનિકોએ પણ પોલીસને ભરપૂર સહયોગ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

- text