મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉધોગોને મંદીના ખપ્પરમાંથી બહાર કાઢવા બજેટમાં વિશેષ જોગવાઈની માંગણી

- text


આગામી બજેટમાં સીરામીક તેમજ ઘડિયાર ઉધોગને પ્રોત્સાહન મળે તેવી જોગવાઈ કરવા માંગ કે. ડી. બાવરવાની માંગ

મોરબી : હાલ દેશમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના વિશ્વ વિખ્યાત એવા સીરામીક તેમજ ઘડિયાર ઉધોગને પણ મંદીનો એરુ આભડી ગયો હોય તેવી હાલત છે. જો આવતા નાણાકીય વર્ષમાં આ ઉધોગોને સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન નહીં મળે તો મૃતપાય અવસ્થાએ પહોંચેલા આ ઉધોગો કાળની ગર્તામાં ધકેલાઈ જશે એવી દહેશત વ્યક્ત કરીને સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી.બાવરવાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિરોધ પક્ષના નેતાઓને આ અંગે યોગ્ય કરવા રજુઆત કરી છે.

મોરબીની ઓળખ બની ચુકેલો સીરામીક તથા ઘડિયાર ઉદ્યોગ હાલ વૈશ્ચિકમંદીની અસર હેઠળથી પસાર થઈ રહ્યો છે. સ્થાનીય સાહસિકોની કોઠાસૂઝથી સ્વયંભૂ વિકાસ પામેલા આ ઉધોગોને કારણે મોરબીનો વિકાસ પણ અન્ય શહેરોની તુલનાએ ખૂબ ઝડપથી થયો છે. અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા શ્રમિકો તેમજ ટેક્નિશિયનોથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળતા સ્થાનીય રોજગારી પણ ખૂબ વિકસી છે.

- text

મોરબીનો ઉધોગ જગત દેશમાં સહુથી વધુ સરકારી ટેક્ષ ભરતા નગરોની યાદીમાં સ્થાન ધરાવે છે. જો કે પાછલા વર્ષો દરમ્યાન ધીમે પગલે દાખલ થયેલી મંદીની અસર હવે સાર્વત્રિક રીતે દેખાઈ રહી હોય તેમ ઘણા યુનિટો બંધ થયા છે, ઘણા બંધ થવાને આરે છે. નવા યુનિટોના નિર્માણની પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ છે. જો આમને આમ ચાલતું રહેશે તો આવનારા સમયમાં ઉદ્યોગ ક્ષેત્રમાંથી મોરબી શહેરનું નામ બાકાત થઈ જવાની દહેશત ઉભી થઇ છે, ત્યારે આવનારા બજેટમાં રાજ્ય સરકાર મોરબી શહેરના ઉધોગ જગતને કોઈ રાહત આપે, પ્રોત્સાહક યોજના જાહેર કરે તો લાખો લોકોની રોજીરોટી જળવાઈ રહેશે.

અહીં ઉત્પાદિત થતી ટાઇલ્સ તેમજ ઘડિયારને વિદેશોમાં એક્સપોર્ટ કરીને મોરબી ઉદ્યોગ જગત દેશના અર્થતંત્રમાં વિદેશી હૂંડિયામણ રળી આપવામાં પણ ખૂબ મોટો ફાળો આપી રહ્યું છે. જો કે હાલ એક્સપોર્ટ માર્કેટ પણ મંદીના વમળમાં ફસાયેલું હોય વિદેશી નિકાસમાં પણ બ્રેક લાગેલી છે. ત્યારે ઉધોગકારો મુસીબતમાં મુકાયેલા છે. કરોડો રૂપિયાનું રોકાણ કરીને સ્વબળે સ્થાપેલા ઉધોગમાં અગાઉ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સરકારે યેનકેન પ્રકારે ઉધોગ જગતને ઉગારવા સહાય કરી જ છે. હાલ એવી સહાયની જરૂરિયાત ફરી વર્તાઈ રહી છે ત્યારે સરકારે આગામી બજેટમાં મોરબીના ઉધોગ જગતને ધ્યાને લઇ કોઈ જાહેરાત કરવી જોઈએ એવી રજુઆત કાંતિલાલ ડી.બાવરવાએ ઉચ્ચકક્ષાએ કરી છે.

- text