ભરતનગર ગામે થર્ટી ફર્સ્ટની રાતે તસ્કરોનો આંતક : ગ્રામ પંચાયત અને ચાર દુકાનોમા તસ્કરી

- text


તસ્કરો દુકાનોમાંથી કિંમતી માલમતા અને રોકડ રકમની ચોરી કરી ગયા : વેપારીએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી

મોરબી : મોરબી પંથકમાં ઠંડીનો પ્રકોપ વધતાની સાથે પોલીસ ગરમ ધાબળામાં નસકોરા બોલવ્યે રાખતા તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે.જેમાં નવા વર્ષે પણ તસ્કરોએ આંતક મચાવીને પોલીસને પડકાર ફેંક્યો છે. જેમાં થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે તસ્કરોએ ભરતનગર ગામે રીતસર આંતક મચાવી ગ્રામ પંચાયત કચેરી અને ચાર દુકાનોને નિશાન બનાવી કિંમતી માલમતા અને રોકડની ચોરી કરી ગયા હતા.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી નજીક આવેલા ભરતનગર ગામે થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે તસ્કરોએ ખાબકયા હતા. એકબાજુ લોકો થર્ટી ફર્સ્ટની રાત્રે 12 વાગ્યા સુધી નવા વર્ષની ઉજવણી કરીને પછી કડકડતી ટાઢમાં નિરાંતે પોઢી ગયા હતા. બીજી તરફ તસ્કરોએ નવા વર્ષના આરંભે જ પડાવ નાખીને બોણીની શરૂઆત કરી હતી. તસ્કરોએ ભરતનગર ગામે ગ્રામ પંચાયત કચેરી, 4 દુકાનોને નિશાન બનાવી હતી.જેમાંથી કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ ઉઠાવી ગયા હતા. એકસાથે નાના એવા ગામમાં આટલા સ્થળે ચોરીના બનાવ બનતા ગ્રામજનોમાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

- text

ભરતનગર ગામે રહેતા અને આ જ ગામે બહુચર ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા વેપારી કિશન ગુણવંતભાઈ અઘારાએ તાલુકા પોલીસ મથકે પોતાની દુકાનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે તસ્કરોએ તેમની દુકાનના તાળા તોડી શટર ઉચકાવીને દુકાનમાં રહેલા કોમ્યુટર મોનીટર, લાકડાના હાથાવાળા પાવડા, લોખડના ઘણ, લોખડના હથોડા, લોખડની ડાક, લાકડાના હાથા અને રોકડ રૂ. 2500 મળીને કુલ રૂ. 19160નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત, ભરતનગર ગ્રામ પંચાયત કચેરીને પણ નિશાન બનાવી હતી તેમજ તસ્કરોએ ભરતનગર ગામે આવેલી મારુતિ પાન સેન્ટર, યશ હેર ડ્રેસર, ઈમ્પીરિયમ સીરામીકની કેન્ટીનના તાળા તોડીને રોકડ તથા ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.

- text