1.49 કરોડની છેતરપિંડી મામલે એક ભાગીદારની ધરપકડ હજુ એક ફરાર

- text


ટાઇલ્સ વેંચાણ અર્થે આવેલી ઉઘરાણીના રૂપિયા ઓળવી ગયા અંગે એક ભાગીદારે બે સામે નોંધાવી હતી ફરિયાદ 

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટાઇલ્સ ફેકટરીના માલિકે તેમના જ ભાગીદારો સામે ઉઘરાણીના રૂપિયા ઓળવી જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોરબી જિલ્લાના પાસ કન્વીનર સહિત બે શખ્સોની સામે હાલમાં ૧.૪૯ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં નોંધ કરાવાઇ છે. આ ફરિયાદ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમ્યાન એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને પાસના આગેવાન કે જે ફરિયાદીના ભાગીદાર છે જેને ઝડપી લેવા માટેની તજવીજ ચાલી રહી છે.

પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ડેલટોન સીરામિક નામનું કારખાનું ધરવતા અને રવાપર રોડ ઉપર રહેતા સંજયભાઈ દેવજીભાઈ કોટડીયાએ તેના ભાગીદાર અને મોરબી જીલ્લા પાસના કન્વીનર મનહરભાઈ ઉર્ફે મનોજભાઈ ગોવીંદભાઈ કાલરીયા રહે. મોરબી તેમજ નરેશભાઈ જીણાભાઈ કથીરિયા રહે. જૂનાગઢ વાળા સામે ૧.૪૯ કરોડની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરુ કરી હતી.

- text

કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ આર.બી. ટાપરીયા સાથે ટેલિફોનિક વાતચીતમાં મોરબી અપડેટને જણાવ્યું હતુ કે, સિરામિક ઉદ્યોગપતિ સાથે છેતરપીંડી કરવાના આ ગુનામાં હાલમાં નરેશભાઈ જીણાભાઈ કથીરિયાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મનહરભાઈ ઉર્ફે મનોજભાઈ ગોવીંદભાઈ કાલરીયાની ધરપકડ કરવા માટે તજવીજ ચાલી રહી છે. ટાઇલ્સના વેચાણ બાદ કરવામાં આવેલી ઉઘરાણીના 1.49 કરોડ ઉપરોક્ત બન્ને આરોપીઓએ કંપનીમાં જમા ન કરાવીને પોતાની પાસે રાખી લેતા છેતરપિંડીની ફરિયાદ ભોગ બનનારે નોંધાવી હતી.

- text