મોરબી : બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂ.10 લાખની ખંડણી માંગનાર 3ની ધરપકડ

- text


યુવાનોએ 20 વર્ષની યુવતીના બીભત્સ ફોટા તેણીના પિતાને મોકલ્યા બાદ તુરંત જ વોટ્સએપ કોલ ઉપર ખંડણી માંગી’તી : ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ

મોરબી : મોરબીમાં યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને રૂ. 10 લાખની ખંડણી માંગી હોવાનો કલંકિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આ ગુનાને અંજામ આપનાર ત્રણ યુવાનોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ આ ત્રણેયની વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી શહેરમાં 20 વર્ષની યુવતિના બીભત્સ ફોટા તેણીના પિતાને વોટ્સએપ ઉપર મળ્યા હતા. બાદમાં પિતાને વોટ્સએપ ઉપર કોલ આવ્યો હતો અને સામે છેડેથી કહેવામાં આવ્યું હતું કે જો તમે રૂ. 10 લાખ નહિ આપો તો તમારી દીકરીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું. આ અંગે કચવાટ બાદ અંતે પિતાએ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસે પિતાને વિશ્વાસમાં લઈને તેમનું નામ કે ઓળખ જાહેર કર્યા વગર આરોપીને પકડી પાડવાનું કહ્યું હતું.

- text

આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ આદરીને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણીની માંગણી કરનાર મિતેન ઉર્ફે પ્રેમ અરૂણભાઈ આશર (ઉ.વ.22) શહેઝાદ કાળુભાઈ પરમાર (ઉ.વ.22) તેમજ શાહરૂખ જબ્બારભાઈ ભટ્ટી (ઉ.વ.21)ને પકડી પાડ્યા છે. આ અંગે વધુ વિગત આપતા એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું કે શાહરૂખે મિતેન ઉર્ફે પ્રેમના મોબાઈલમાંથી યુવતીના ફોટા મેળવીને યુવતીના પિતાને મોકલ્યા હતા અને વોટ્સએપ કોલ ઉપરથી રૂ. 10 લાખની ખંડણી માંગી હતી.

વધૂમાંતેઓએ કહ્યું કે હાલ આ ત્રણેય શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન આ કેસની વધુ વિગતો ખુલશે.

ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં ઘટેલી આ કલંકિત ઘટના બાદ પોલીસે આરોપીઓને તુરંત જ પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસે આ કેસમાં ફરિયાદીની ઓળખ પણ ગુપ્ત રાખી છે જેથી તેમનું સમાજમાં પૂરતું માન સન્માન જળવાઈ રહે. આમ કોઈ પણ ગુનાનો ભોગ બનેલા વ્યક્તિએ અચકાયા વગર પોલીસને અચૂકપણે જાણ કરવી જોઇએ. જેથી અન્ય કોઈ વ્યક્તિ ગુનેગારનો શિકાર ન બને.

- text