મોરબીમાં ઓટોમોબાઈલ ક્ષેત્રને મંદી નું ગ્રહણ : વાહનોનું વેચાણ 20 ટકા ઘટ્યું

- text


ગત વર્ષની સરખામણીએ 4531 વાહનો ઓછા વેચાયા :

સીરામીક ક્ષેત્રે આવેલી મંદી અને અતિવૃષ્ટિની અસર વાહનના વેચાણ ઉપર દેખાઈ : ગત વર્ષે જિલ્લામાં કુલ 23, 381 વાહન વેચાયા જેની સામે આ વર્ષે 18,850 વાહનનું વેચાણ

નવા ટ્રાફિક નિયમની અમલવારીથી દંડની રકમમાં મોટો વધારો થયો તેમ છતાં આરટીઓની આવક પણ ઘટી

મોરબી : મોરબીમાં ઓટોમોબાઇલ ક્ષેત્રને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. સીરામીક ઉદ્યોગમા આવેલી મંદી તેમજ અતિવૃષ્ટિથી ખેતીને થયેલી નુકશાનીના પ્રતાપે જિલ્લામા વાહનોનું વેચાણ ઘટ્યું છે.ગત વર્ષ કરતા આ વર્ષે મોરબી જિલ્લામા 20 ટકા ઓછા વાહનો વેચાયા છે. ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગમાં દંડની રકમ વધી હોવાથી ગત વર્ષ કરતા આરટીઓની આવક વધવાની સંભાવના હતી પરંતુ આરટીઓની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.

મોરબી જિલ્લાના અર્થતંત્રમા સીરામીક ઉદ્યોગ અને ખેતી મહત્વનો ભાગ ભજવે છે. કારણકે જિલ્લાની મોટાભાગની વસ્તી સીધી કે આડકતરી રીતે આ બન્ને વ્યવસાય સાથે સંકળાયેલી છે. સીરામીક ઉદ્યોગમા તેજી સમગ્ર જિલ્લાની માર્કેટમાં તેજી લાવી દયે છે. તેવી જ રીતે સીરામીક ઉદ્યોગની મંદી સમગ્ર માર્કેટમાં મંદી લાવી દયે છે. છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નોના કારણે સીરામીક ઉદ્યોગને એક પછી એક ફટકા પડી રહ્યા છે. જેના કારણે સીરામીક ઉદ્યોગને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ ખેતીમાં પણ અતિવૃષ્ટિના કારણે મોટી થપાટ લાગી છે. જેનાકારણે ખેતી સાથે સંકળાયેલા લોકોની આર્થિક સ્થિતિ આ વર્ષે કથળી છે.

- text

સીરામીક ઉદ્યોગને લાગેલી મંદી અને અતિવૃષ્ટિથી ખેતીને થયેલી નુકશાની મોરબીના ઓટોમોબાઇલ ક્ષેત્રને અસર કરી રહી છે. ગત વર્ષે મોરબી જિલ્લામા 23, 381 જેટલા વાહનો વેચાયા હતા. જેમાં 4152 ફોર વહીલર, 15460 ટુ વહીલર અને 3769 જેટલા રીક્ષા, હેવી ટ્રક સહિતના અન્ય વાહનોનો સમાવેશ થાય છે.આ વર્ષે જિલ્લામા કુલ 18850 વાહનો વેચાયા છે. જેમાં 3646 ફોર વહીલર, 12121 ટુ વહીલર અને 3083 રીક્ષા, હેવી વાહન સહિતના અન્ય વાહનોનો સમાવેશ થાય છે. આમ આ વર્ષે વાહન વેચાણના આંકડા ઉપર ગત વર્ષ કરતા 20 ટકાનો એટલે કે 4531 વાહનોનો ઘટાડો નોંધાયો છે.

જ્યારે બીજી બાજુ આરટીઓની આવકમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ થયો છે. જેમાં જુના દંડ કરતા નવા દંડની રકમમાં ધરખમ વધારો થયો હોય આરટીઓની આવકમા મોટો વધારો થાય તેવી સંભાવનાઓ જોવા મળી હતી. પરંતુ હકીકતમા આરટીઓની આવકમા રૂ. 2.3 કરોડનો ઘટાડો થયો છે. ગત વર્ષે આરટીઓએ રૂ. 41.49 કરોડની આવક કરી હતી. જ્યારે આ વર્ષે આવક ઘટીને રૂ. 39.19 કરોડે પહોંચી છે. આમ જે રીતે સમગ્ર દેશમાં ઓટોમોબાઈલ સેકટરમાં મંદીનો માર વર્તાઈ રહ્યો છે તેની અસરમાંથી મોરબી પણ બાકાત રહ્યું નથી.

- text