મોરબીમાં શિયાળાના પગરવને પગલે ગરમ વસ્ત્રોની માર્કેટમાં ગરમાવો

- text


વિવિધ જાતની ચીકી, શેરડી, અડદિયા, ઝીંઝરા, ફળોની બજારમાં ચહલ પહેલ વધી : વહેલી સવારે ગાઢ ધૂમમ્સ સાથે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ

મોરબી : મોરબીમાં શિયાળાનો હવે ધીમીગતિએ પગરવ શરૂ થઈ ગયો છે.વહેલી સવારે ગાઢ ધૂમમ્સ સાથે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીની સિઝન ધીમેધીમે શરૂ થતાં જ મોસમને અનુકૂળ ગરમી પ્રદાન કરતી ચીજ-વસ્તુઓની માર્કેટમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને શિયાળાને અનુરૂપ ખાનપાનની ચીજ વસ્તુઓ બજારમાં આવી ગઈ છે અને ગરમ કપડાઓ માટે પ્રખ્યાત એવું તિબેટયન માર્કેટ ધમધમી ઉઠ્યું છે.લોકોએ ગરમ વસ્ત્રોની ખરીદી શરૂ કરી દીધી છે.

- text

મોરબીમાં હવે શિયાળાની સિઝન ધીમીગતિએ શરૂ થઈ છે. ખાસ કરીને રાત્રિથી વહેલી સવાર સુધી થોડી ઠંડીનો અનુભવ થાય છે. સવારે ગાઢ ધૂમમ્સ સાથે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જોકે દિવાળી પછી શિયાળાની મોસમ શરૂ થઈ જતી હોય છે. પણ આ વખતે મોસમે કરવટ બદલી હતી અને વાતાવરણ વારંવાર પલટાતા માવઠા થયા હતા. તેમાંય વરસાદ સાથે ભારે પવનની ઠંડી લાગતી હોય લોકોને સ્વેટર પહેરવું કે રેનકોટ પહેરવો જેવી વિચિત્ર પરિસ્થિતિ પેદા થઈ હતી. પણ હવે ધીમી ગતિએ ઠંડી અનુભવાઈ રહી છે. ઠંડીના આગમન સાથે શહેરમાં શિયાળને લગતા ખાનપાન અને પહેરવેશની ચીજ-વસ્તુઓ આવી ગઈ છે જેમાં વિવિધ જાતની ચીકીઓ ઠેરઠેર ઉભી રહેતી રેકડીઓમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત શેરડી, ઝીંઝરા વિવિધ જાતના ફળો પણ બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તેમજ કાપડની દુકાનોમાં અવનવા ગરમ કપડાઓ દેખાઈ રહ્યા છે જ્યારે બહાર ગામના નાના વેપારીઓએ ગરમ વસ્ત્રો લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ધામાં નાખ્યા છે. ગરમ વસ્ત્રોની તિબેટયન માર્કેટ ધમધમી ઉઠી છે.લોકો પણ ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે. તેમજ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં અડદિયા, ગુંદર પાક સહિતની વસ્તુઓ જોવા મળી રહી છે. શિયાળામાં ખાનપાનની સાથે બોડી ફિટનેસની જાળવણી માટે સતર્ક ઘણા લોકો વહેલી સવારે આહલાદક વાતાવરણમાં વોકિંગ કરતા જોવા મળે છે. તેમજ ઘણા યુવાનો જીમમાં જઈને શરીરની ફિટનેસ જાળવી રહ્યા છે. એકંદરે હવે જેમ જેમ ઠંડી વધશે તેમ તેમ લોકોની સતર્કતા વધી જશે.

- text