‘સંપ ત્યાં જંપ’ કહેવતને સાર્થક કરતુ મોરબીનું આધુનિક ગામ પીપળીયા

- text


સરપંચની ચૂંટણી બિનહરીફ : જાહેર કાર્યોમાં ખર્ચ થતી રકમ ચોકમાં માહિતી બોર્ડ પર મૂકી પારદર્શક વહીવટ

મોરબી : મોરબી જીલ્લામાં એક એવું ગામ આવેલું છે જ્યાં ગામનો ખર્ચ ગામના લોકો જ નક્કી કરે છે અને તમામ ખર્ચ ગામના ચોરે જાહેરમાં લખવામાં આવે છે. આ ગામનું નામ છે પીપળીયા ગામ કે જે 1200 લોકોની વસ્તી ધરાવે છે પરંતુ આ ગામમાં તમામ સુવિધાઓ કેં જે એક નાના શહેરમાં હોય તે જોવા મળે છે સાથે જ આ ગામમાં વર્ષોથી સરપંચ ગામલોકો દ્વારા નિમવામાં આવે છે અને બિનજરૂરી ખર્ચને ટાળીને બિનહરીફ થયેલા ગામને જે રકમ મળે એ ગામના વિકાસમાં વાપરવામાં આવે છે. હાલ પીપળીયાને મોરબી તાલુકાનું મોર્ડન ગામ ગણવામાં આવે છે.

મોરબીથી 20 કિલોમીટર પૂર્વમાં આવેલા પીપળીયા ગામમાં આધુનિક ગામની યાદીમાં આવે તેવો સર્વાંગી વિકાસ થયો છે. ભૂકંપમાં પડી ભાંગેલા 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામને અજિત જોગી દ્વારા જે તે સમયે ભૂકંપ બાદ બનાવી આપવામાં આવ્યું હતું. બાદમાં પીપળીયા ગામના ગ્રામજનો દ્વારા પીપળીયાને વિકાસ અને સ્વચ્છતાના માર્ગે લઈ મોર્ડન ગામ બનાવવાનું નક્કી કર્યું હતુ.

પીપળીયા ગામમાં જ્યારથી ગ્રામ પંચાયત છે ત્યાંરથી સરપંચની ચૂંટણી કરવામાં નથી આવતી પરન્તુ આ ગામના સરપંચ ગ્રામજનો જાતે નક્કી કરે છે અને ગ્રામજનો જે નિર્ણય લે એ જ માન્ય રાખવામાં આવે છે. કારણ કે બિનહરીફ ચૂંટણી જે ગામમાં થાય તેને રોકસ રકમ મળે છે. જેથી, પીપળીયા ગામમાં એ રકમ આવે એ ગામના વિકાસમાં વાપરવામાં આવે છે.

હાલ આ ગામમાં અદ્યતન શૌચાલય, અદ્યતન સુવિધાઓ ધરાવતું સ્મશાન, અદ્યતન આંગણવાડી, ખાનગી હોય તેવી પ્રાથમિક શાળા, આખા ગામમાં સી.સી. રોડ સહિતની તમામ પાયાની સુવિધાઓ હાલ આ ગામમાં છે. એટલું જ નહીં અદ્યતન પાઇપલાઇન અને સીસીટીવી પ્રોજેકટ પણ પીપળીયા ગામમાં અમલમાં મુકાઈ ચુક્યો છે. આ ગામમાં રહેતો દરેક ગ્રામજન સરપંચ છે તેવું આયોજન અને સંપ ધરાવતા પીપળીયા ગામના બનાવ ક્યારેય પોલીસ મથકે પણ પહોંચતો નથી.

પીપળીયા ગામની એક વિશેષતા છે કે આ ગામમાં ખર્ચ થતી તમામ રકમ જાહેર કરવામાં આવે છે અને ચોકમાં જાહેરમાં એક જાહેર માહિતી બોર્ડ બનાવવામાં આવ્યું છે. જેમાં ગામમાં સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ તેની રકમ અને તારીખ સહિતની વિગત લખવામાં આવે છે અને તેની સામે થેયેલ ખર્ચ પણ લખવામાં આવે છે ત્યારે પીપીળીયા ગામને છેલ્લા બે વર્ષમાં ગામના વિકાસના જુદા જુદા વીસ કામો માટે 43 લાખથી વધુની સહાય આપવામાં આવી છે. જેમાં 12 કામો થઈ ચૂક્યા છે અને અન્ય 8 કામો હાલ ચાલુ છે. જેમાં સીસીટીવી, વાઈફાઈ, ફિલ્ટર પ્લાન, બાગ બગીચા જેવા મહત્વના મુદાઓનો સમાવેશ થાય છે.

- text

પીપળીયા ગામના હાલના સરપંચ અલ્પેશ કોઠીયા છે જે 27 વર્ષની નાની ઉમરે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક ચૂંટવામાં આવેલા બિનહરીફ સરપંચ છે. જેઓ
ગામના લોકોના પ્રશ્નને વાચા આપવા માટે હમેશા તૈયાર હોય છે. અલ્પેશભાઈએ પોતાના દોઢ વર્ષના સરપંચ તરીકેના કાર્યકાળમાં ગામમાં પ્રાથમિક સુવિધાના કાર્યો પૂર્ણ કર્યા છે. જેમાં પીપળીયા ગામનો મેઈન ગેટ, આંગણવાડીના બાળકો માટે રમકડા અને ત્યાંની પ્રાથમિક સુવિધા, આંગણવાડીનો ફરતે વંડો, સ્કુલના ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નાખેલ, જૂની પંચાયતનું રીનોવેશન, ગામના સ્મસાનને ફરતે વંડો, ગામની પાદરમાં બાથરૂમ અને હાલમાં ઘરે ઘરે પાણી મળી રહે તે માટે આખા ગામમાં પાણીની નવી પાઈપ લાઈનનું કામ ચાલુ છે. સાથે આખા ગામમાં સી.સી. રોડનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

ગામના સરપંચ એવા અલ્પેશભાઈ કોઠીયા એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ ગામને સ્માર્ટ સીટી બનાવાનો પ્લાન છે. જે માટે આખા ગામમાં સાફ- સફાઈનું ધ્યાન રાખવામાં આવશે, ગામમાં આગામી દિવસોમાં સી.સી. ટીવી કેમરા પણ મુકવામાં આવશે. આ ઉપરાંત, ગામમાં ગટરનો પ્રશ્ન તેમજ ફિલ્ટર પ્લાન અને વાઈફાઈ બાગ બગીચાઓ માટેની કામગીરી પણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં આવેલું આ પીપીળીયા ગામના લોકો યુવાન હોય કે વૃદ્ધ, યુવતી હોય કે મહિલા તમામ પોતાની જાતને સરપંચ ગણાવે છે અને જો આ જ રીતે તમામ ગામડાઓ અને તેના.ગ્રામજનો એક સંપ કરી અને ગામના વિકાસ માટે મહેનત કરે તો ‘સંપ ત્યાં જંપ’ એ કહેવત સાચી ઠરે અને ગામને મોર્ડન ગામ બનતા કોઈ ન રોકી શકે. તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.


- text