10 લાખથી વધુની વસ્તી ધરાવતા મોરબી જિલ્લામા માત્ર 3 જ મિની ફાયર ફાઈટર

- text


દિવાળીએ એક સાથે અનેક જગ્યાએ બનતા આગના બનાવોમાં તંત્ર માત્ર તમાશો જ જોશે : ફાયર સ્ટેશન પણ જર્જરીત હાલતમાં

જિલ્લાને નવા 4 નાના અને 2 મોટા ફાયરફાઈટર, એક હાઇડ્રોલીક પ્લેટફોર્મ અને બીએએસ કીટ આપવાની સરકારમાં અનેક રજૂઆતો, પરિણામ શૂન્ય

મોરબી : મોરબી શહેર દિવસેને દિવસે સમૃદ્ધ થતું જઇ રહ્યું છે. સામે તંત્ર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. હાલ દિવાળીને હવે એક અઠવાડિયું બાકી રહ્યું છે. ત્યારે સુરક્ષા તરફ એક નજર કરીએ તો માત્ર છીંડા જ દેખાઈ આવે છે. કારણકે સમગ્ર મોરબી જિલ્લામા માત્ર 3 જ નાના ફાયર ફાઈટર છે. હવે પ્રશ્ન એ ઉદ્દભવીત થાય છે કે જો એક જ સમયે અલગ અલગ જગ્યાએ આગના બનાવો બનશે તો તંત્ર કરશે શુ?

 

મોરબી જિલ્લો કુલ 3 ફાયર ફાઈટર ધરાવે છે. આ ફાયર ફાઈટર મિની છે. એક ફાયર ફાઈટર વાંકાનેર પાલિકા પાસે અને બે મોરબી પાલિકા પાસે છે. મોરબી જિલ્લામા 350થી વધુ ગામડાઓ છે. જિલ્લાની કુલ વસ્તી 10 લાખથી વધુની છે. ત્યારે માત્ર 3 જ ફાયર ફાઈટર પૂરતા નથી. તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઇને બેઠું હોય તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે.

જો કે અગાઉ 5 વખત જિલ્લાને નવા 4 નાના અને 2 મોટા ફાયરફાઈટર, એક હાઇડ્રોલીક પ્લેટફોર્મ અને બીએએસ કીટ આપવાની સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકારે આ રજૂઆત પ્રત્યે દાદ દીધી નથી. થોડા સમય પૂર્વે સુરતમાં આગની અતિગંભીર દુર્ઘટના ઘટી હતી. આ ઘટના લાલબત્તી સમાન હતી. આ સમયે સરકારે ખાનગી સંસ્થાઓમાં ચેકીંગ કરીને તેને ફાયરના સાધનોથી સજ્જ બનાવી દીધી હતી. પરંતુ મોરબી જિલ્લામા ફાયર સ્ટેશનોમાં ફાયરના સાધનોની જે ઘટ છે તેને ધ્યાને લીધી ન હતી.

- text

મોરબી જિલ્લામા માત્ર ફાયર ફાઈટર અને ફાયરના સાધનોની જ કમી નથી. સ્ટાફની કમી છે. મોરબી પાલીકાના ફાયર સ્ટેશનમાં તો હાલ સ્ટાફ ઓછો હોવાથી ગેરેજ વિભાગના કર્મચારીઓથી પણ ગાડું ગબડાવી દેવાઈ છે. આ ઉપરાંત અહીંનું ફાયર સ્ટેશન 60 વર્ષ જૂનું છે. જે હાલ જર્જરીત હાલતમાં છે.અહીં ઉપર છત પરથી પોપડા ખરી જતા લોખંડના સળિયા પણ દેખાઈ છે. જો કે અન્ય કોઈ જર્જરીત ઇમારત ધ્યાને આવે તો પાલિકા તેને જોખમી ગણાવીને તોડી પાડવાનો હુકમ કરી દયે છે. પરંતુ પોતાના જ ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ અતિ જર્જરીત હાલતમાં હોય પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ ઉપરાંત હાલ મોરબી શહેરની મધ્યમાં ફાયર સ્ટેશન આવેલું છે. જેથી ફાયર ફાઈટરને ટ્રાફિક પણ ખૂબ નડે છે. ત્યારે ફાયર સ્ટેશન માટેનું શ્રેષ્ઠ લોકેશન સુરજબાગ માનવામાં આવી રહ્યું છે. જેથી ફાયર સ્ટેશનને ત્યાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે.


- text