મેઘરાજાએ મચ્છુ જળહોનારતની યાદ તાજા કરાવી દીધી : છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 15 ઇંચ વરસાદ પડ્યો

- text


આવતીકાલ 11 ઓગસ્ટના રોજ મચ્છુ જળ હોનારતને 40 વર્ષ પુરા થાય છે : સતત 24 કલાક ભારે વરસાદ બાદ મોરબી જિલ્લામા આજે બપોરે 4 વાગ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કરતા હાશકારો

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. મોરબી જિલ્લામાં ગઈકાલ શુક્રવાર સાંજના 6 વાગ્યાથી શનિવાર સાંજના 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદ પર નજર કરીએ તો મોરબી અને ટંકારામાં 15 ઇંચ અને માળિયામાં 10 ઇંચ અને હળવદ, વાંકાનેરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં ભારે 15 ઇંચ જેટલા વરસાદથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામોના તળાવો અને રોડ રસ્તા તૂટી જતા ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મોરબી શહેરમાં પણ અનેક રહેણાંક અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાની થવાનો અંદાજ છે. મચ્છુ પૂર હોનારતની આવતીકાલે 11 ઓગસ્ટ 40મી વરસી છે ત્યારે આજે મોરબીમાં ચારેકોર ભરાયેલા પાણીએ મચ્છુ જળહોનારતની યાદ તાજા કરાવી દીધી હતી.

- text

મોરબી જિલ્લામાં લોકો સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના ધૂનભજન કરી રહ્યા હતા. ત્યારે જાણે મોરબીવાસીઓની પ્રાર્થના કુદરતે સાંભળી લીધી હોય તેમ શુક્રવારથી મોરબી જિલ્લા પર મેઘરાજા મેહરબાન થાય હતા. મેઘરાજાએ જાણે અત્યાર સુધીનો બાકી વરસાદનો હિંસાસ એક સાથે પૂરો કરવો હોય તે રીતે મોરબી જિલ્લામાંમાં સરેરાશ 15 ઇંચ જેટલો વરસાદ વરસાવતા સમગ્ર મોરબી જિલ્લો તરબતોર થઇ ગયો હતો. કુદરતે એક જ ઝાટકે મોરબી જિલ્લાના તમામ મોટા જળાશયો છલકાવી એક જ દિવસમાં આખા વર્ષની પાણીની સમસ્યા દૂર કરી નાખી હતી. જોકે મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાથી ભારે તારાજી પણ સર્જાઈ છે.( આ તારાજી માટે તંત્રની સાથે મોરબીના છેવાડાના વિસ્તારોમાં થતા આડેધડ બાંધકામો અને પાણીના કુદરતી નિકાલો પરના દબાણો પણ એટલા જ જવાબદાર છે). મોરબી જિલ્લામાં વરસાદે માલ સામાનની સાથે આ વખતે જાનમાલની પણ નુકસાની થઇ છે. જેમાં બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલી મચ્છુનગર ઝૂંપડપટ્ટીમાં દીવાલ પડવાથી એક સાથે 8 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો.

આમ મોરબી જિલ્લામાં મેઘરાજાના તાંડવથી ભારે કફોડી હાલત સર્જાઈ હતી. જોકે આજે શનિવાર બપોરના 4 વાગ્યા પછી મેઘરાજાએ ખમૈયા કરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. મોરબી જિલ્લામાં બપોર 4 થી સાંજના 6 વાગ્યાના બે કલાકમાં મોરબીમાં 2 મિમી, વાંકાનેરમા 0 મીમી, હળવદમા 2 મિમી, ટંકારામા 0 મીમી અને માળીયામાં 5 મિમી વરસાદ નોંધાયો છે.

જયારે ગઈકાલ શુક્રવાર સાંજના 6 વાગ્યાથી શનિવાર સાંજના 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદ પર નજર કરીએ તો મોરબી અને ટંકારામાં 15 ઇંચ અને માળિયામાં 10 ઇંચ અને હળવદ, વાંકાનેરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે છેલ્લી બે કલાકમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

- text