પરિવારે મૃત માનેલા બિહારના સરબજિતનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબીની સંસ્થા

- text


પત્ની વિયોગમાં ગુજરાત આવી પહોંચેલા સરબજિતને પહેલા વાપી અને બાદમાં જામનગરમાં અમાનુષી માર મરાયો

મોરબી – ભુજની સેવાભાવિ સંસ્થાનો અનેરો સેવા યજ્ઞ : મુકસેવક સંસ્થા પ્રસિદ્ધિથી જોજનો દૂર

મોરબી : આજના હળાહળ કળિયુગમાં સગોભાઈ ભાઈની સેવા નથી કરતો અને જન્મદાતા માતા-પિતાને પણ સંતાનો વૃધ્ધશ્રમના દરવાજે છોડી આવે છે એવા સમયમાં મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા લાચાર, બેબશ અને પરિવારથી વિખુટા પડેલા લોકોને સાચવી પરિવારથી પણ વિશેષ હૂંફ આપી સારવાર સુશ્રુષા કરી અથાગ મહેનતથી પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવી રહ્યું છે, તાજેતરમાં જ આવા ચારેક કિસ્સામાં વર્ષોથી પરિવારથી વિખુટા પડેલા લોકોને સ્વજન સુધી પહોંચાડવામાં આવ્યા છે જેમાં છેલ્લે જામનગરમાંથી અત્યંત ગંભીર હાલતમાં મળેલા સરબજિત પ્રહલાદ નામના બિહારી યુવાનના પરિવારજનોને કચ્છની માનવજ્યોત નામની સંસ્થાની મદદથી તેના પરિવારજનોને શોધી કાઢવામાં સફળતા મળી છે.

મોરબીમાં અનોખો સેવાયજ્ઞ ચલાવતી સંસ્થા ભગીરથ કાર્યો કરતી હોવા છતાં પણ પોતાનું નામ ક્યાંય પ્રસિદ્ધ કરતી નથી અને નામ ન આપવાની શરતે જ પરિવારથી વિખુટા પડેલા લોકોના સ્વજનો સાથે મિલન અંગેની વિગતો જણાવી છે જેમાં પાંચ માસ પૂર્વે જામનગરમાં કોઈ અજાણ્યા હિન્દીભાષી શખ્સોએ સરબજિત પ્રહલાદ કુશવા નામના બિહારી વ્યક્તિને અમાનુષી માર મારી ફેંકી દેતા જામનગરના સેવાભાવી વ્યક્તિએ લાચાર સરબજિત પ્રહલાદને મોરબીની સેવાભાવી સંસ્થાને સોંપ્યો હતો, બન્ને હાથમાં ફ્રેકચર અને ઢોર મારને કારણે માનસિક અસ્વસ્થતા સાથે મોરબી પહોંચેલા સરબજિતની સારવાર કરવામાં આવતા સ્વસ્થ બન્યા બાદ સેવાભાવી સંસ્થાએ સરબજિતનો વિશ્વાસ કેળવતા તેણે થોડી ઘણી જાણકારી અને મૂળ બિહારનો હોવાનું જણાવતા ભુજની સેવાભાવી સંસ્થા માનવ જ્યોત સંસ્થાનો સંપર્ક કરી સરબજિત પ્રહલાદના પરિવારની શોધ શરૂ કરી હતી.

સદનસીબે ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રયત્ન રંગ લાવ્યા અને ઈન્ટરનેટના માધ્યમ અને બિહાર પોલીસની મદદથી સરબજિત પ્રહલાદના પરિવાર સાથે બન્ને સંસ્થાઓનો સંપર્ક શક્ય બનતા સરબજિતના પરિવારમાં ખુશી છવાઈ છે જો કે, આ ખુશીની સાથે બે વર્ષ પૂર્વે સરબજિત સાથે ઘટેલી ચોંકાવનારી ઘટના પણ તેના પરિવારે વર્ણવી હતી.

સરબજિતના પરિવારના જણાવ્યા મુજબ માનસિક અસ્થિર બની ગયેલ વીસ વર્ષીય સરબજિત પણ હસી ખુશીની જિંદગી જીવતો હતો પરંતુ તેની પત્ની કોઈ સાથે ચાલી જતા પત્નીને શોધતા – શોધતા સરબજિત ગુજરાતના વાપી આવી ગયો હતો અને પત્નીના વિયોગમાં પાગલ બની ગયેલ સરબજિતને પરિવારજનો બિહાર લઈ ગયા હતા અને સરબજિતને ઘરે બાંધીને રાખવો પડતો હતો આમ છતાં મોકો શોધી સરબજિત ઘરેથી નાસી પાછો ગુજરાત પહોંચી ગયો હતો જેમા પાંચેક માસ પૂર્વે જામનગરમાં હિન્દીભાષી શખ્સોએ માર મારતા મોરબીની સેવાભાવી સંસ્થા સુધી પહોંચતા ફરી એકવાર સરબજિત પ્રહલાદનું પરિવાર સાથે સુખદ મિલન શક્ય બન્યું છે.

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ઘરપરિવારથી દૂર રહેલ સરબજિત જીવિત હોવાનું તેમના પરિવારને જણાવતા પરિવારજનોમાં અત્યંત ખુશી હતી જો કે, તેમના પરિવારજનોએ સરબજિત હવે જીવિત ન હોવાનું માની બેઠા હોવાનું પણ સેવાભાવી સંસ્થા સમક્ષ સરબજિત પ્રહલાદના પરિવારજનોએ કબુલ્યું હતું.

- text

છેલ્લા દોઢ મહિનામાં સરબજિતની જેમ જ કોલકતાથી છેલ્લા ચાર વર્ષથી માનસિક આવસ્થતાના કારણે લાપતા બનેલા રંગીન ખાતુન નામના મહિલાનું તેમની પુત્રીના લગ્ન સમયે જ સંસ્થાના સુભગ પ્રયાસોથી પરિવાર સાથે મિલન શક્ય બન્યું હતું તેમજ છ વર્ષ પૂર્વે ઝારખંડથી લાપતા બની મોરબી આવેલ ઇન્દ્રદેવી રામપ્રતાપ કોઈ ભાષા ન સમજતા હોવા છતાં માનવજ્યોત સંસ્થાના કાર્યકરોની મદદથી ઇન્દ્રદેવીના પરિવારજનોનો સંપર્ક સાધવામાં સફળતા મેળવી છે જેમાં ઇન્દ્રદેવીનો એક પુત્ર ભૂતાન અને એક પુત્ર દિલ્હી રહેતો હોય બન્ને પુત્રો આવી માતાને લઈ ગયા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશની સપના જાટ માંનસીક અસ્થિર હાલતમાં મળી આવતા મોરબી અને ભુજની સંસ્થાએ તેમના પરિવારને શોધી કાઢી સુખદ મિલન કરાવ્યું હતું.

- text