સાંસદ મોહનભાઇને ટિકિટ અપાતા વાંકાનેર ભાજપમાં બળવા જેવી સ્થિતિ

- text


વાંકાનેર ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા સ્નેહમિલન યોજાયું : અપક્ષમાં દાવેદારી માટેના પાસા ગોઠવાયા : સાંસદ મોહનભાઇ વિરુદ્ધ રાજકોટની ભાજપ લોબી પણ પડદા પાછળ સક્રિય

વાંકાનેર : શિસ્તમાં માનનાર ભાજપ પક્ષમાં લોકસભાની ટીકીટ ફાળવણીને લઈ આગના લાબકારા ઉઠવા શરૂ થયા છે જેમાં અગાઉ સુરેન્દ્રનગર સાંસદ દેવજી ફતેપરાએ બંડ પોકાર્યા બાદ હવે રાજકોટ લોકસભા બેઠક ઉપર મોહનભાઇ કુંડારીયા રિપીટ કરાતા રાજકોટ બાદ વાંકાનેરમાં વિરોધના સુર ઉઠ્યા છે અને ભાજપના સક્રિય નેતા જીતુભાઇ સોમાણીએ તો અપક્ષ લડવા પણ તૈયારી કરી લઈ આજે વાંકાનેરમાં સ્નેહ મિલન યોજયું હતું જેમાં સેંકડો કાર્યકરો હાજર રહેતા ભાજપ મોવડી મંડળ પણ ચોકયું છે.

લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ઘમાસાણ સર્જાયું છે, રાજકોટ બેઠક ઉપર ભાજપ તરફથી મોહનભાઈને રિપીટ કરી ટિકિટ આપવામાં આવતાં ભાજપની અંદર જ કાર્યકરોમાં સળવળાટ જોવા મળેલ છે, અગાઉ પણ ટીકીટ બાબતે જૂથબંધી થઇ હતી પરંતુ મોવડી મંડળ સમક્ષ કોઈનું કાંઈ ઉપજેલ નહીં અને રાજકોટની સીટ મોહનભાઈના ફાળે ગઈ હતી. ટિકિટ કન્ફર્મેશન મળતાં ભાજપમાં અંદરો-અંદર વિરોધનો સૂર ઉઠેલ અને આજે એ વિરોધ રાજકોટ બાદ વાંકાનેરમાં પણ જોવા મળ્યો હતો. ગત વિધાનસભામાં વાંકાનેર બેઠક પર ભાજપમાંથી લડનાર જીતુભાઈ સોમાણી ખુલીને મોહનભાઈ સામે બંડ પોકારેલ અને સ્નેહ મિલનનું આયોજન કરેલ જેમાં વાંકાનેર શહેર અને તાલુકા ભરના ૩૫૦૦થી વધુ આગેવાનો ઉપસ્થિત રહેલ અને પોતાની તાકાત બતાવેલ જેમાં રાજકોટના અસંતોષ પામેલ ભાજપના આગેવાનો પણ પડદા પાછળનો ટેકો મળેલ અને દરેક વિધાનસભા બેઠકના અસંતોષ પામેલ કાર્યકર્તાઓએ સાથ સહકારની ખાતરી આપી અને વાંકાનેર ભાજપ સંગઠનના મોટાભાગના હોદ્દેદારો પણ જીતુભાઈ સાથે હોવાનો સૂર જોવા મળ્યો હતો.

ટૂંક સમયમાં લોકસભા માટે રાજકોટ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપની મતગણતરીને વિખી નાખવા આયોજન થયેલ હવે જોવું રહ્યું કે મોવડીમંડળ આ વિરોધને ડામી દેશે કે બળવો વિકરાળ આગનું સ્વરૂપ લેશે? હાલ તો આ પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.

- text

- text