મોરબી : બાળકીના શંકાસ્પદ મોતના બનાવમાં પાલક માતાએ ઢોર માર મારતા મોત થયાનો ધડાકો

- text


લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે પાલક માતાના હાથે હત્યા થયા બાદ બનાવને અકસ્માતમાં ખપાવવા હીન પ્રયાસ કર્યો : પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી

મોરબી : મોરબીમાં માસુમ બાળકીના શંકાસ્પદ મોતના પ્રકરણમાં પોલીસે હતભાગી બાળાની પાલક માતાની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં પાલક માતાએ પતિની ગેરહાજરીમાં પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે બાળાને જમીન પર પટકી પટકીને ઢોર માર મારતા તેનું મોત થયાનું પોલીસની પ્રથમીક તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે આ બનાવની વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વૃદાવન પાર્કમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની ત્રણ વર્ષની પુત્રી યશવીનું ગઈકાલે ઘરે રમતા રમતા સોફા પરથી પડી જવાથી મોત થયું હોવાનું બી ડિવિઝન પોલીસમાં જાહેર થયું હતું. જોકે આ માસુમ બાળાના શરીર પર ઇજાના નિશાન હોવાથી પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતા બાળાને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યાં તબીબોએ આ બાળાનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો. બાદમાં બાળાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો. આ બનાવ શંકાસ્પદ હોવાથી પોલીસે બાળાના પિતા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી પાલક માતા રશ્મિબેન દિવ્યેશભાઈની પ્રાથમિક પૂછપરછ કરતા આ બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

- text

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે પાલક માતા ઉશ્કેરાય જઈને બાળાને જમીન પર પટકી હતી અને તેના પુસ્તકનો ઘા કરતા ચહેરામાં ઇજા થઇ હતી એટલું જ નહીં બાળાનું માથું સોફામાં દબાવી રાખતા અંતે બાળાએ દમ તોડી દીધો હતો. પોતાનું આ પાપ છુંપાવવા માટે પાલક માતાએ અકસ્માતે સોફામાંથી પડી જતા મોત થયાની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં પાલક માતાનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ધવલભાઈ ત્રિવેદીના પ્રથમ પત્ની સાથે મનમેળ ન થવાથી તેમના પત્ની પતિ પુત્રીથી અલગ રહે છે. જ્યારે ધવલભાઈએ રશ્મિબેન સાથે મૈત્રી કરાર કર્યા છે તેઓ એક ઘરમાં પુત્રી સાથે રહે છે. તેવામાં ગઈકાલે તેણીએ પતિની ગેરહાજરીમાં પુત્રીની હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવતા હાલ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

- text