મોરબી : સ્મશાનમાં સફાઈ સેવા કરીને સંક્રાંતિની ઉજવણી કરતા ગ્રામજનો

- text


મોરબી : મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એ દિવસને દાન-પુણ્ય માટે હિન્દૂ સંસ્કૃતિમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.ધાર્મિક આસ્થાળુઓ પોતાની રાશિ પ્રમાણે વિવિધ વસ્તુઓનું દાન કરે છે જ્યારે મોટાભાગના આસ્થાળુઓ ગાયોને લીલું ખવડાવીને કે ગૌશાળામાં દાન કરીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. પરંતુ મોરબી તાલુકાના ખેવાડીયા તેમજ વાંકડા ગામે આવા ઉત્સવને અલગ રીતે ઉજવવાનો નવો ચીલો ચાતર્યો છે.

ખેવાડીયા ગામના સરપંચ પ્રફુલ્લભાઈ હોથી સહિતના ગામના સેવાભાવી યુવકો સાથે મળીને ગામના સ્મશાનને સુઘડ બનાવવા માટે ઉત્તરાયણના દિવસે શ્રમયજ્ઞ કરી ઉત્સવ મનાવ્યો જેની ચોતરફ પ્રસંશા થઈ રહી છે. ગામના સ્મશાનમાં આડેધડ ઊગી નીકળેલા ડાળી-ડાખળા અને સુકાઈ ગયેલા વૃક્ષોને કાપી ડાઘુઓ માટે વ્યવસ્થિત આવવા જવાની અને બેસવા ઉઠવાની વ્યવસ્થા કરી આત્મસંતોષ મેળવ્યો.

- text

જ્યારે વાંકડા ગામના યુવાનોએ પણ પોતાના ગામના સ્મશાન માટે આવો જ શ્રમયજ્ઞ કરી સમાજમાં અને ખાસ તો ગ્રામીણ સમાજ વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે “આપના હાથ જગન્નાથ”નું સૂત્ર સાર્થક કર્યું. વાંકડા ગામના યુવાનો વર્ષોથી ઉત્તરાયણના દિવસે પતંગ ન ઉડાડીને સ્મશાનમાં આવો શ્રમયજ્ઞ કરે છે જેની નોંધ લઇ અન્ય ગામો પણ આ પ્રકારના સ્વયંભૂ શ્રમયજ્ઞો કરવા આગળ આવી રહ્યા છે. આ બન્ને ગામોના આવા પ્રેરણાદાયી પ્રયાસોની નોંધ લઇ આવનારા દિવસોમાં દરેક ગામો જો આવા ગ્રામલક્ષી સ્વયંભૂ સેવા યજ્ઞો આદરે તો ગુજરાતનું દરેક ગામ સાચા અર્થમાં ગોકુળિયું ગામ બની શકે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text