વાંકાનેરના ઢુંવામાં સેન્ટ્રલ એક્સાઇઝના દરોડા : ૬૦ લાખની કરચોરી ઝડપાઇ

- text


 

વાઘજીભાઈ બોડાના પુત્રના પેકેજીંગ યુનિટ ઉપર દરોડા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રાજકોટ રેન્જની ડી.જી.સી.ઈ.આઈ. (ડાયરેક્ટ જનરલ ઓફ સેન્ટ્રલ એકસાઇઝ ઇન્ટેલિજન્સ) ની બે ટીમ દ્વારા બે પેકેજીંગ કંપનીઓમાં દરોડા પાડ્યા હતા જેમાં આશરે ૬૦લાખથી વધુની કરચોરી પકડાઈ હતી આ ફેક્ટરી મોરબી જિલ્લાના મોટા ગજાના કોંગ્રેસી નેતા વાઘજીભાઈ બોડાના પુત્રની હોવાનું બહાર આવ્યું છે.

વાંકાનેરના ઢુવા પાસે આવેલી પાર્થ પેકેજિંગ અને સુપ્રીમ પેકર્સ નામની કંપનીઓ મોટા પ્રમાણમાં સીરામીક પેકેજીંગનું કાર્ય કરે છે અને મોરબી જિલ્લાની સિરામિક ફેક્ટરીઓમાં પેકેજીંગ બોક્સ બનાવી સપ્લાય કરે છે. આ બંને પેકેજીંગ કંપનીઓ દ્વારા ટેક્સ ચોરી કરી વેપાર કરતી હોવાની માહિતી ડી.જી.સી.ઈ.આઈ. સુધી પહોંચતા બન્ને કંપનીઓ પર રેડ કરવામાં આવેલ જેમાં બંને કંપનીઓમાંથી રૂપિયા ૬૦ લાખથી વધુની કરચોરી ઝડપી પાડવામાં આવેલ. આ કંપની દ્વારા કરચોરીના દંડ પેટે તાત્કાલિક રૂપિયા અંદાજિત ૫૦ લાખ પણ ભરી આપવામાં આવેલ છે.

આ પેકેજીંગ કંપની રજનીશ વાઘજીભાઈ બોડાની માલિકીની છે જેવો સૌરાષ્ટ્ર કોંગ્રેસના બહુમોટા રાજકીય અગ્રણી વાઘજીભાઈ બોડાના પુત્ર છે જેથી આ કંપનીમાં રેડ પડયાની ખબર પડતાં મોરબી પંથકના ફેક્ટરી માલિકોમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડે છે અને લોકો કહી રહ્યા છે કે જ્યારે મોટા ગજાના રાજકીય નેતાઓના પરિવારજનો જ સરકારી નીતિનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો બીજા લોકો પાસે શું અપેક્ષા રાખવી ?

- text

ગુજરાતમાં પેકેજિંગ ઉદ્યોગમાં આટલા મોટા પ્રમાણમાં કરચોરીનો કદાચ આ પ્રથમ કિસ્સો નોંધાયેલ છે જેથી ડી.જી.સી.ઈ.આઈ. દ્વારા આટલા મોટા પ્રમાણમાં કઈ મોડસ ઓપરેન્ડીથી આ કરચોરી આચરવામાં આવી તે બાબતની જીણવટભરી તપાસ આરંભી છે જેથી બીજી પેકેજીંગ કંપની પર મજબૂત સિકંજો પકડી શકે અને આ કરચોરી નો માલ કોના કોના દ્વારા ખરીદ કરવામાં આવેલ તેનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે તેવું અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

આ રેડમાં ડેપ્યુટી ડાયરેક્ટર અમિતકુમાર નિખલજે, સિનિયર આઈ.ઓ. અમિતકુમાર તેમજ આઈ.ઓ. આશિષ ચૌધરીની દેખરેખ હેઠળ કરવામાં આવેલ.

- text