માળીયા મિયાણામાં વારંવાર માછીમારોની માહિતી માંગવામાં આવતા રોષ

- text


કોસ્ટલ રેગ્યુલેશન ઝોન બાબતે માછીમારોને હેરાનગતિ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના માછીમારોની તમામ માહિતી મત્સ્ય ઉદ્યોગ કચેરી પાસે ઉપલબ્ધ હોવા છતા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન મામલે વારંવાર માહિતી માંગવામાં આવતા માછીમારીમાં રોષ ભભૂકી ઉઠયો છે.આ મામલે માછીમારોએ મત્સ્ય ઉદ્યોગ કચેરીને રજૂઆત કરીને ખોટી રીતે કરાતી કનડગત દૂર કરવાની માંગ કરી છે.

માળીયા (મી) પંથકના માછીમારોએ મત્સ્ય ઉદ્યોગ કચેરીને રજુઆત કરી હતી કે, ગત તા.૬ નવેમ્બરે મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક કચેરી દ્વારા માળીયા (મી) પાલિકા તથા જાજાસર, બગસરા,વવાણીય, હંજીયાસર, કાજરડા, ચીખલી, વેણાસર ગામોની ગ્રામપંચાયતને પત્ર લખીને માછીમારોની કેટલી સંખ્યા ? માછીમારી કાંઠા કેટલા ? કેટલો સમય માછીમારી માટે પુરતો રહે છે? જમીન માલીકીની વિગત વગેરે બાબતોની માહિતી માંગી છે.ત્યારે માછીમારોએ આ બાબતે ખુલાસો કરતા જણાવ્યું હતું કે,માળીયા ( મી ) વિસ્તાર માટે મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકની કચેરી દ્વારા જ વર્ષોથી પગડીયા, હોડીના લાયસન્સ ઇસ્યુ કરેલા છે. ઉપરોકત તમામ પ્રકારની માહિતી આ કચેરીમાં જ ઉપલબ્ધ હોવા છતા આ માહિતી માંગવાનો શું અર્થ તે જ સમજાતું નથી.

- text

વધુમાં જણાવ્યું હતું કે, માળીયા (મી) ના માછીમારો વર્ષોથી પરંપરાગત રીતે જુદા – જુદા માછીમારો દરિયા કિનારે માછીમારી કરે છે અને આ કચેરી બોટ, ૫ગડીયાના લાયસન્સ પણ તે રીતે કાઢે છે. જુદી-જુદી યોજનાનો હકકદારીને પણ આ કચેરી દ્વારા જ મળે છે. આ તમામ વિગતો આ કચેરીમાં ઉપલબ્ધ હોવા છતા ફરી ફરીને માહિતી માંગવાની રીત કોઈ કાળે યોગ્ય ન હોવાનું રજુઆતમાં જણાવ્યું હતું.

માળીયા (મી) માં સીઆરઝેડની લોકસુનાવણી યોજાયેલી હતી તેમાં પણ માછીમાર સમુદાય માછીમારોની સંપૂર્ણ વિગતો આપી હતી અને આ કચેરીના અધિકારીઓએ લોક સુનાવણીમાં જણાવ્યું હતું કે, માછીમારો સાથે મળી માછીમારી કાઠા અને જે રહી જતું હોય તેની વિગત સમુદાય જે કહેશે તે મુજબ જાણીને કચેરી દ્વારા લેખિતમાં ઈકોલોજી કમીશન ગાંધીનગરેને જણાવીશું પરંતુ આ પ્રક્રિયા ન કરાતા ગત તા.૬ નવેમ્બરે મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા નગરપાલિકા અને ગ્રામપંચાયતો પાસે પત્ર લખીને વિગતો માંગી છે તે યોગ્ય નથી.

આ મામલે માછીમાર સમુદાય વતી મત્સ્ય ઉદ્યોગ કચેરીને રજુઆત કરી આ કચેરી જ માછીમારીની માહિતીની સ્પષ્ટતા કરે તેવી માંગ રજુઆતના અંતે ઉઠાવી હતી.

- text