કોન્ટ્રાકટ કિલરને સોપારી કોણે આપી ? રાજવીરસિંગનું ભેદી મૌન

- text


 

અંધાધૂંધ ફાયરિંગ કરવાના કેટલા રૂપિયા મળ્યા ? આંતરરાજ્ય રીઢા ગુન્હેગાર નું ભેદી મૌનને પગલે પોલીસ ૧૪ દિવસના રિમાન્ડ માંગશે

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ કરી એક બાળકના મોત નિપજાવાની ઘટનામાં આઠ દિવસમાં પોલીસે શાર્પ શૂટર અને ત્રણ સ્થાનિક મદદગારને ગિરફતમાં લીધા છે પરંતુ હજુ સુધી આ સાતીર દિમાગ આંતર રાજ્ય રીઢા ગુન્હેગારે ફાયરિંગ કરવા માટે કોણે સોંપારી આપી હતી અને આ કૃત્ય માટે કેટલા નાણાં મળ્યા તે અંગે હરફ સુધ્ધાં ન ઉચ્ચારતા પોલીસે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

થ્રિલર ફિલ્મી સ્ટોરી જેવા મોરબીના અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં ગઈકાલે મોરબી પોલીસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા શાર્પ શૂટર સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંગનો કબજો મેળવી પ્રાથમિક પૂછપરછમાં ત્રણ સ્થાનિકોની મદદથી ક્લીકા પ્લોટમાં ગોળીબાર કર્યાની કબૂલાત આપતા પોલીસે મોરબીના જ ત્રણ ઇસમોને ઉપાડી લીધા હતા. જો કે આ ચકચારી બનાવમાં લોકોના હાથે ઝડપાયેલા સુરેશસિંહ ઉર્ફે રાજવીર બિહાર, ઓરિસ્સા, યુપી સહિતના રાજ્યમાં એક બે નહિ પરંતુ ૨૭ ગુન્હાઓ આચરી ચુક્યો હોય પોલીસને પણ મચક આપતો નથી અને આ કૃત્ય માટે કોણે સોપારી આપી અને બદલામાં કેટલા નાણાં મળ્યા તે અંગે કોઈ ફોડ ન પાડતો હોવાનું તેમજ તે કોઈને ઓળખતો ન હોવાનું અને માત્ર ફોનમાં મળતી સૂચના મુજબ કામ કરતો હોવાનું રટણ કર્યું છે.

- text

બીજી તરફ પોલીસે ગેંગવોર મામલે અત્યાર સુધીમાં ત્રણ પિસ્ટલ કબજે કરી છે જે તમામ એક જ સરખી બનાવટની હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળેથી એક પિસ્ટલ તથા એક લોકોના હાથે ઝડપાયેલા આરોપી પાસેથી અને હિતુભાના ઘરેથી કબજે કરાયેલઆ પિસ્ટલ એક સમાન હોય કઈ પિસ્ટલમાંથી ગોળી છૂટી તે નક્કી કરવા ઇજાગ્રસ્તોમાંથી મળેલી ગોળી તેમજ ઘટના સમયે ફૂટેલા મળેલા કારતુસ સાથે મેચ થાય છે કે કેમ તે જાણવા માટે તે ગોળીને એફએસએલમાં મોકલવામાં આવી છે.

જો કે હાલમાં પોલીસ આ ઘટનાનું કાવતરું કોને ઘડ્યું અને પડદા પાછળ કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે નક્કર માહિતી મેળવી ગેંગવોરની કડીઓ જોડવા માટે રીઢા આંતર રાજ્ય ગુન્હેગાર અને મદદગારોના ૧૪ દિવસના રિમાન્ડ માંગવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

- text