મોરબીનો સીટી સર્વેયર પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો

- text


બે મહિનાથી મકાન વેચાણની એન્ટ્રી નહોતો પાડતો : જુના મહાજન ચોકમાં એસીબીની સફળ ટ્રેપ

મોરબી : ભ્રષ્ટાચારથી ખદબદતી મોરબી સીટી સર્વે કચેરીનો ભ્રષ્ટાચાર આજે છાપરે ચડીને પોકાર્યો છે, મકાનની વેચાણ એન્ટ્રી પાડી દેવાના બદલામાં રૂપિયા પાંચ હજારની લાંચ માંગી સ્વીકારનાર સીટી સર્વે કચેરીના સર્વેયરને મોરબી એસીબીએ આજે મોડી સાંજે જુના મહાજન ચોકમાંથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી સર્વે કચેરીમાં મકાન વેચાણ અંગેની નોંધ કરાવવા માટે છેલ્લા બે માસથી ધક્કા ખાતા અરજદારનું કામ કરી દેવાના બદલામાં મોરબી સીટી સર્વે કચેરીના વોર્ડ નંબર – ૩ ના સર્વેયર જ્યેન્દ્ર જયવંતલાલ લોદરિયા દ્વારા રૂપિયા ૫૦૦૦ની માંગણી કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા મોરબી એસીબી કચેરીનો સંપર્ક કરવામાં આવતા આજે મોરબી એસીબી પીઆઇ એમ.બી.જાની સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું અને લાંચિયો સીટી સર્વેયર જ્યેન્દ્ર લોદરિયા મોરબીના જુના મહાજન ચોકમાં ઘનશ્યામ ચેમ્બર નજીક લાંચની રકમ સ્વીકારતા જ એસીબી ટીમે દબોચી લીધો હતો.

- text

દરમિયાન એસીબીની સફળ ટ્રેપ થતા જ સીટી સર્વે કચેરીના અન્ય લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે, ઉલ્લેખનીય છે કે સીટી સર્વ કચેરીનો લાંચિયો સર્વેયર લોદરિયા છેલ્લા દસેક વર્ષથી મોરબીમાં એકને એક જગ્યાએ ફરજ બજાવી અરજદારોને હેરાન પરેશાન કરી નાણાં વગર કામ ન કરતો હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે એસીબીએ લાંચના છટકામાં આબાદ ઝડપી લેતા મોરબીના નાગરિકોમાં હાશકારો થવા પામ્યો છે.

મોરબી એસીબીની આ સફળ કામગીરી પીઆઇ એમ.બી.જાની, મયુરસિંહ, અશ્વિનભાઈ, વિનુભાઈ, સંદીપભાઈ, હરદેવસિંહ અને હેમુભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

- text