વાંકાનેરમાં દારૂની નદી વહી : સવા કરોડના દારૂનો નાશ

- text


ગારીડા નજીક ઈંગ્લીશ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ અને વાંકાનેર સીટી પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ઝડપી પાડેલ સવા કરોડ જેટલી કિંમતના ગેરકાયદેસર અંગ્રેજી દારૂ અને બિયરની બોટલોનો કોર્ટમાંથી આદેશ મેળવી કમિટી બનાવી નાશ કરવામાં આવતા રીત સર દારૂની નદી વહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગત વર્ષ દરમિયાન ઝડપી પાડેલ દારૂ બિયરની ટોટલ ૪૭૧૧૦ બોટલ જેની કિંમત ૧,૦૨,૦૫,૯૦૫/- અને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઝડપી પાડેલ ૫૩૯૦ બોટલ કિંમત રૂપિયા ૧૫,૫૦,૮૦૦/- કુલ મળી ટોટલ ૫૨,૫૦૦ બોટલ જેની કિંમત રૂપિયા ૧,૧૭,૫૬,૭૦૫/- ના ગેરકાયદે દારૂ-બીયરનો નાશ કરવામાં આવ્યો હતો.

- text

આ કામગીરીમાં મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલ, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા, વાંકાનેર સીટી પીઆઇ બી.ટી. વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાંધલ, વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. જી.આર. ગઢવી, નશાબંધી પી.એસ.આઇ. હરદેવસિંહ ગોહિલ તેમજ મામલતદાર ઓફિસ સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાસ નજર હેઠળ આ કામગીરી કરવામાં આવેલ અને આ ગેરકાયદેસર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક આર.કે પટેલના સતત નિરીક્ષણ હેઠળ આ મુદ્દામાલનો સંપૂર્ણ નાશ કરવામાં ખાસ તકેદારી રાખવામાં આવેલ અને એક પણ બોટલ નાશ કરવામાં રહી ન જાય તે જોવા બારીકાઈ ભર્યું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

- text