રેલવેના વાંકે નર્મદા કેનાલમાં પાણીને બદલે બાવળ ઉગી નીકળ્યા !

- text


હળવદના માલણીયાદની બી – ૧૭ પેટા કેનાલ નાળા વાંકે આજે પણ ધુળ ખાઈ રહી છે ! ૧૦ ગામના ખેડૂતોને અન્યાય

હળવદ : હળવદ પંથકમાં દુષ્કાળના ડાકલાના વાગી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શાખાની માલણીયાદ પેટા કેનાલ બી – ૧૭નું કામ વર્ષ ર૦૦૯માં પૂર્ણ થઈ ગયું છે પરંતુ શકિતનગર પાસે આવેલ રેલવેના અન્ડર ગ્રાઉન્ડ નાળાના વાંકે છેલ્લા ૯ વર્ષથી કેનાલ ધુળ ખાઈ રહી છે ત્યારે શકિતનગર પાસે અન્ડર ગ્રાઉન્ડ નાલુ બનાવી વહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ૧૦ જેટલા ગામોના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

- text

રાજય સરકાર દ્વારા નર્મદા કેનાલો દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે પેટા કેનાલો બનાવવામાં આવી છે પરંતુ માલણીયાદ પેટા કેનાલ બી – ૧૭નું કામ વર્ષ ર૦૦૯માં પૂર્ણ થઈ ગયું હોવા છતાં આશરે ૧૮ કિ.મી. આ માઈનોર કેનાલ તાલુકાના સુખપર, શકિતનગર, શ્રીજીનગર, બુટવડા, ચંદ્રગઢ, ઘણાદ, માલણીયાદ, મંગળપુર, રણમલપુર સહિતના ગામોના ખેડૂતોને પાણી મળે તે માટે બનાવવામાં આવી હતી પરંતુ શકિતનગર પાસે રેલવે લાઈન પસાર થતી હોવાથી પેટા કેનાલનું અન્ડર ગ્રાઉન્ડ નાલુ આજદીન સુધી બન્યું નથી.

જો આ નાલુ બનાવવામાં આવે તો ઉપરોકત તમામ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ છે. જયારે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં બોરના પાણી પણ ખારા થઈ ગયા છે સાથે જ કેનાલ પણ હવે તો જર્જરીત થઈ ગઈ છે. અમુક રાજકીય લોકો જાણી જાઈ પંથકના ખેડૂતોને નર્મદાના પાણીથી વંચીત રાખવા રાજકીય કિન્નાખોરી દાખવી અન્ડર ગ્રાઉન્ડ નાલુ ન બનાવવા દેતા હોવાના પણ આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.

- text