સુરીલા સંગીત સાથે મોરબીમાં યુવા જ્ઞાનોત્સવનો પ્રારંભ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જ્ઞાનોત્સવને મંદબુદ્ધિના બાળકોના વાલીઓના હસ્તે ખુલ્લો મુકાયો
મોરબી : મોરબીના આંગણે શુક્રવારથી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત યુવા જ્ઞાનોત્સવનો આજે ન્યુ એરા સ્કૂલના બાળકોના સુંદર સંગીત કાર્યક્રમ સાથે મંગલ પ્રારંભ થયો છે. આજે તા.૫ થી શરૂ થયેલ આ કાર્યક્રમ ૬ અને ૭ જાન્યુઆરી સુધી ચાલશે અને દરરોજ બે સેસનમાં અલગ અલગ શ્રેષ્ઠ વક્તાઓ યુવાઓને માર્ગદર્શક જ્ઞાન આપશે આજે મંદબુદ્ધિના બાળકોના વાલીઓના હસ્તે આ દિવ્ય કહી શકાય તેવો જ્ઞાનોત્સવ ખુલ્લો મુકાયો છે અને કડકડતી ઠંડી અને ઝાકળમાં પણ જ્ઞાનોત્સવ સ્થળ યુવાઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું.

મોરબીના શનાળા ગામ પાસે પટેલ સમાજ વાડી ખાતે આજથી શરૂ થયેલ યુવા જ્ઞાનોત્સવમાં ૫૦૦૦થી વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે, જ્ઞાનોત્સવ માટે યંગ ઇન્ડિયા ગૃપના ગ્રુપ મેમ્બરો દિવસ રાત એક કરી જહેમત ઉઠાવી હતી જે આજે પહેલા દિવસે જ ખીલી ઉઠી હતી.

- text

યુવા જ્ઞાનોત્સવમાં દરરોજ વિશેષ મહાનુભાવો પ્રેરક ઉદબોધન કરનાર છે જેમાં આજે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહ બાદ જાણીતા કોલમિસ્ટ અભિમન્યુ મોદીએ યુવાનોને પૈસો, પૈસો, અને પૈસો : સાંપ્રત ધર્મબોધ અને અર્થબોધ વિશે યુવાઓને સંબોધન કર્યું હતું. ત્યારબાદ વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી જેમાં જુદી-જુદી શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ છટાદાર વક્તવ્ય આપ્યું હતું. અને ત્યાર બાદ સવારના સેશનમાં જાણીતા વક્તા જય વસાવડા સાહસનો રોમાંચ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યુ હતું જેનો યુવાનોએ લાભ લીધો હતો.

સવારના સેશનના પ્રારંભે ન્યુ એરા સ્કૂલના બાળકોના બેંડ દ્વારા વિઘ્નહર્તા દેવની સ્તુતિ કરી સંગીતની સુરાવલી વહાવી લોકોને સવાર સવારમાં મંત્રમુગ્ધ બનાવ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને કોંગી અગ્રણી વિજય સરડવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ચૈતન્યસ્વરૂપ સ્વામીજી જીવન એક રંગભૂમિ વિષયને લઈ વક્તવ્ય આપશે ત્યારબાદ આરજે ધ્વનિત આજનો યુવાન અને આવતીકાલ વિશે વક્તવ્ય આપશે અને જાણીતા હાસ્ય કલાકાર અને શિક્ષણવીદ સાંઈરામ દવે આજના સમયમાં બાળકોના શિક્ષણમાં વાલીની ભૂમિકા અને જાગૃતિ વિષય પર વક્તવ્ય આપશે.

આમ, આજે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ત્રી દિવસીય જ્ઞાનોત્સવના પ્રારંભ સાથે જ યુવધાનમાં કાર્યક્રમને જાણવા માનવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

- text