મોરબી : પરપ્રાંતીય મજૂરોને કામે રાખવાના નિયમોનો કડક અમલ જરૂરી

- text


અપહરણની ઘટના લાલબત્તી સમાન : જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ જરૂરી : સીરામીક એસો.ની પણ સહકારની ખાતરી

મોરબી : મોરબીમાં કામ કરતા અમુક પરપ્રાંતીય શખ્સો મોરબી માટે ખતરારૂપ બની રહ્યા હોવાનો પુરાવો મોરબીના કારખાનેદારના પુત્રના અપહરણના કિસ્સામાંથી બહાર આવ્યો છે, જો જિલ્લા કલેક્ટરશ્રીના જાહેરનામાનો કડક પણે અમલ કરવામાં આવે તો આવી ઘટનાઓ મહદઅંશે ઘટી શકે તેમ છે.

સોમવારે વહેલી સવારે સ્કૂલે જતા માસુમ બાળક દેવના અપહરણની ઘટના બાદ મોરબીમાં કામ કરતા અમુક પરપ્રાંતીય શખ્સો મોરબીમાં ક્રાઇમરેટ વધારી રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે,ગત અઠવાડિયે મોરબીના બરફના કારખાનેદારના ઘરમાંથી ૩૧ લાખથી વધુની ચોરીની ઘટનામાં પણ પરપ્રાંતીય નેપાળી શખ્સોની ભૂમિકા બહાર આવી હતી અને આ અગાઉ એકલવાયુ જીવન ગાળતા લોહાણા વૃદ્ધની હત્યામાં પણ પરપ્રાંતીય નેપાળી શખ્સો જ કસુરવાન સાબિત થયા હતા ત્યારે અપહરણની આ ઘટના બાદ સ્થાનિક ગુન્હેગારો સાથે પરપ્રાંતિયોની ભાગીદારી આવનાર દિવસોમાં મોરબી માટે મોટો ખતરો બની શકે તેમ હોવાનું જણાઈ રહ્યું છે.

દરમિયાન આ મામલે મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મોરબી શહેરમાં પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું અમલી છે ત્યારે આ જાહેરનામાનો કડક અમલ કરાવવા ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવશે.

એ જ રીતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વખતો વખત જાહેરનામું બહાર પાડી પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખવા માટે તેમજ મકાન અને ઉદ્યોગગૃહ ભાડે આપવા અને ખેતમજૂરોને કામે રાખવા માટે ઓળખના અધાર પુરવા મેળવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. અને આ અપહરણની ઘટના બાદ ચોક્કસ પણે આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય એ માટે પોલીસ ને સૂચના આપવામાં આવશે અને નિયમભંગ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકશે.

ઉલ્લેખનિય છે કે સિરામિક ફેકટરી કે અન્ય ઉદ્યોગગૃહ કે ખેતમજૂરી માટે આવતા બધા શ્રમિકો ગુન્હેગાર નથી હોતા પરંતુ આવા કિસ્સા બને ત્યારે તમામ શ્રમિકો નિશાના પર આવતા હોય છે આ સંજોગોમાં જો થોડી તકેદારી રાખવામાં આવે તો ગુન્હાખોરી કાબુમાં રાખવી શક્ય બની શકે છે.

- text

શ્રમિકો મુદ્દે મોરબી સિરામિક એસોસિએશન પોલીસને સહયોગ આપવા તત્પર

પાંચ વર્ષ પૂર્વે સિરામિક એસોસિએશન દ્વારા ઓનલાઇન માહિતી આપવા પહેલ કરવામાં આવી હતી.

સોમવારે વહેલી સવારે મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિના માસુમપુત્રના અપહરણની ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પરપ્રાંતીય શ્રમિકો જ્યાં સૌથી વધુ કામ કરે છે તેવા સિરામિક એકમોમાં કામકરતા શ્રમિકોની ચકાસણી માટે મોરબી સીરામીક એસોસિએશન પોલીસને સહયોગ આપવા તત્પર હોવાનું એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું.

મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયાએ અપહરણની ઘટના બાદ જણાવ્યું હતું કે સિરામિક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોની સાચી ઓળખ મળી રહે તે માટે પાંચેક વર્ષ અગાઉ એક ઓનલાઇન પ્રોજેકટ બનાવવા પોલીસ સાથે મંત્રણા થઈ હતી એ પ્રોજેકટ થકી પોલીસ તમામ કારખાનામાં કામ કરતા શ્રમિકોની જાણકારી મેળવી શકે તેવી લિંક ઉપલબ્ધ કરાવવા નક્કી કરાયું હતું પરંતુ કોઈપણ કારણોસર આ પ્રોજેકટ શક્ય બન્યો નથી.

વધુમાં શ્રી કુંડારીયાએ જણાવ્યું હતું કે મોટા ભાગે શ્રમિકો રોજી રોટી કમાવા આવતા હોય છે અને પ્રામાણિક જ હોય છે પરંતુ કેટલાક કિસ્સામાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના તડીપાર થયેલા કેટલાક શખ્સો અહી ઘુસી જઇ આવા ગુન્હાહિત કામોને અંજામ આપે છે પરિણામે પ્રામાણિક શ્રમિકોને ભોગવવું પડે છે.

જો કે અપહરણની આ ઘટનમાંથી બોધપાઠ મેળવી મોરબી સિરામિક એસોસિએશન લેબર કોન્ટ્રાક્ટરો મારફતે તમામ શ્રમિકોની સાચી ઓળખના પુરાવા મેળવી પોલિયાને સહયોગ આપવા તત્પર હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

આ સાથે મોરબી અપડેટ પણ મોરબી જિલ્લાના સૌ લોકોને અપીલ કરે છે કે તમે પણ તમારી પાસે કામ કરતા પરપ્રાંતીય મજૂરોનો રેકોડ રાખો. અને આ બાબતે પોલીસને સહકાર આપો.

- text