મોરબી : કન્યા છાત્રાલયની 600થી વધુ વિદ્યાર્થીનીઓનો ગટરના ઉભરાતા પાણીની સમસ્યા બાબતે પાલિકામાં મોરચો

- text


ગાયત્રીનગર અને કુબેરનગરના રહેવાસીઓએ પણ ગટરની સમસ્યા બાબતે ઉગ્ર રજૂઆત કરી

મોરબી : મોરબી શહેરમાં બે વર્ષ પૂર્વે બનેલી ભૂગર્ભ ગટરના કામમાં બેફામ ભ્રષ્ટચાર આચરી ઢંગધડા વગર કામ કરવામાં આવતા મોરબીની નિર્દોષ જનતાને વગરવાંકે ગટરની ગંદકી સહન કરવાનો વારો આવ્યો છે. આજે આ બાબતે ગટરની સમસ્યાથી ત્રસ્ત કન્યા છાત્રાલયની 600થી વધુ વિદ્યાર્થીનીઓનો છાત્રાલયના ટ્રસ્ટીઓ બેચાર હોથી અને વલમજીભાઈ પટેલની આગેવાનીમાં ગટરના ઉભરાતા પાણીની સમસ્યાથી બાબતે પાલિકામાં મોરચો મંડ્યો હતો. અને વિધાર્થીનીઓની ઉગ્ર રજૂઆત કરી હતી કે કન્યા છાત્રાલય રોડ પર સતત ગટરોના ગંદા પાણીનો ભરાવો રહે છે અને તેમને સ્કુલે આવવા-જવામાં ગટરના ગંદા પાણી માંથી પસાર થઈને જવું પડે છે. રોડ પર ભરાયેલા પાણી કયારેક તો સ્કુલમાં પણ ધુસી આવતા હોવાથી છાત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કન્યા છાત્રાલયની કન્યાઓને પડતી હાલાકી અંગે વિગતવાર રજૂઆત બાદ પાલિકાના સત્તાધીશોએ રાબેતા મુજબ સમસ્યા હાલ કરવાની ખાતરી આપી મામલો થાળે પડ્યો હતો. હજુ આ મામલો થાળે પડે ત્યાં મોરબીના ગાયત્રીનગર અને કુબેરનગરના રહેવાસીઓએ પણ ગટરની સમસ્યા બાબતે ઉગ્ર રજૂઆત કરી પાલિકા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાલિકા તંત્રએ દર વખતની જેમ સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી.

- text