જાણો..મોરબી પાસેના ઉંદરડી માતાના મંદિરનો રસપ્રદ ઈતિહાસ

- text


અખંડ જ્યોતને ઉંદરડી પ્રદક્ષિણા કરતી હોય એ સ્થળે ઉંદરડી માતાના મંદિર તરીકે પ્રસિદ્ધ થયું : મુંબઈના પરિવાર આ સ્થળે મંદિરનું બાંધકામ કરતા ખાખરાવાડી મેલડી માતા તરીકે પણ જાણીતું બન્યું છે

મોરબી : મોરબી માળિયા બાયપાસ હાઇવે પર અઢી કિમીના અંતરે કાચા રસ્તે આવેલું મેલડી માતાનું મંદિર અનેક નામે જાણીતું છે જેમાં ખાસ ઉદેરડી માતાનું મંદિર અને ખાખરાવાળા મેલડી માતાના મંદિરના નામે ભારે પ્રસિદ્ધ છે. આ બને નામ પાછળ રસપ્રદ ઈતિહાસ અને શ્રદ્ધાળુઓમાં ચમત્કારની માન્યતાઓ પ્રવર્તી રહી છે.
એક માન્યતા અનુસાર આજથી આશરે ૨૫ વર્ષ પહેલા મોરબીના વનાળીયા ગામે રહેતા કોળી પરિવાર ધરમપુર મુકામે માતાજીના માંડવાની વિધિ માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તરસ લગતા માળિયા હાઇવે પર અઢી કિમીના અંતરે કાચા રસ્તે નિર્જન સ્થળ પર વિસામો કર્યો હતો. લોકોની માન્યતા પ્રમાણે કોળી પરિવારના હાથમાં જે મેલડી માની મૂર્તિ હતી તે તેમણે અહી રાખી હતી. તરસ લગતા આસપાસ પાણી ન હોવાથી માતાજીએ પરચો આપ્યો હોવાનું કહેવાય છે. અને માતાજીએ કોળી પરિવારને પથ્થરથી નીચે પડેલા મોટા પથ્થરને મારવાનું કહેતા ત્યાંથી આપોઆપ પાણી નીકળ્યું હતું.આજે પણ આ જગ્યાએ મીઠું પાણી આપોઆપ નીકળી રહ્યું છે.તે પછી કોળી પરિવાર ધરમપુર ગયો હતો પરંતુ ત્યાં માતાજીએ એમને કહ્યું કે, હું તો તમે જ્યાં મારી મૂર્તિ રાખી છે તે સ્થળે જ સ્થાપિત થઇ ચુકી છું. ત્યારે કોળી પરિવાર કહયું કે, આ વાત અમે કેમ માનીએ ત્યારે માતાજીએ તે જગ્યાએ અખંડ દિવો અને ઉંદરડી પ્રદક્ષિણા કરતી જોવા મળશે. તેમ કહેતા કોળી પરિવાર ત્યાં ગયો અને ત્યાં અખંડ દીવા તથા ઉંદરડી પ્રદક્ષિણા કરતા જોવા મળતા તે સમયથી આ મંદિર ઉંદરડી માતા તરીકે પ્રસિદ્ધ થયું છે.
બીજી એક લોકવાયકા એવી છેકે, ૧૯૭૯ના હોનારથ વખતે આ સ્થળ આખું પાણીમાં ડૂબી ગયું હતું પરંતુ દિવો બુઝાયો ન હતો.પ્રગટતો દિવો ઉપર પાણીમાં તરતો રહ્યો હતો. તેમજ ત્યાં આવેલું ખાખરાનું વૃક્ષ મૂર્તિ સામે હતું તે ખસીને મૂળ સહીત સાઇડમાં ખસી ગયું હતું. જેથી ભવિષ્યમાં મંદિર બનવા સમયે એ વૃક્ષ કાપવું ન પડે.અન્ય લોક વાયકા મુજબ બોમ્બેના બિપીનચંદ્ર પ્રાગજીભાઈ કોટક ગાંધીધામ જતી વખતે અચાનક અહી રોકાણ કરતા માતાજીએ ડોસીમાંનું રૂપ ધારણ કરીને તેને મંદિર બનાવવાનું કહ્યું હતું. તેથી તેમણે મેલડી માતાનું મજબુત મંદિર બનાવ્યું હતું. ખાખરાના કારણે એ લોકો ખાખરાવાળી મેલડીમાતાના મંદિર તરીકે પણ જાણીતું છે.આ સ્થળે મોરબી આસપાસના લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે.આથી મંદિરમાં ખુબ જ ભીડ રહે છે. લોકો માતાના દર્શનની સાથે આસપાસના નૈસર્ગિક સોંદર્યને પણ માણે છે.
૨૫ વર્ષ પહેલા મુંબઈના કોટક પરિવારે આ મંદિર બનાવ્યા બાદ મુંબઈના જ રહેવાસી દેવનારાયણને પુજારી તરીકે સ્થાપિત કર્યા હતા. તેઓ એ સંસ્કૃતમાં એમ.એ.સુધી ભણેલા છે. ભક્તિ ભાવપૂર્વક તેઓ ૨૩ વર્ષથી માતાની સેવા પૂજા કરે છે. આ મંદિરમાં કોઈ મોટું દાન લેવાતું નથી .મંદિરનો તમામ ખર્ચા અને ધાર્મિક કર્યો સહિતના ખર્ચા મુંબઈના કોટક પરિવાર ઉઠાવે છે. જયારે મરછુ-૩ ડેમના ૩ વર્ષથી પાણી આ મંદિરમાં ઘુસી જતા હતા અને મંદિર ડૂબી ગયું હતું. તેથી કોટક પરિવાર આ સ્થળ પર જ થોડી ઉચાણ વળી જગ્યા પર બીજું મંદિર બનાવ્યું અને એજ મૂર્તિની ધૂમધામથી માતાજીના માંડવો કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. ડેમમાં આવેલા પાણીના કારણે ત્યાં એક અલગ જ વાતાવરણ હોય છે જેથી મોરબી વાસીઓ માટે ફરવાનું આ મનપસંદ સ્થળ બની ગયું છે.

- text