મોરબી : દસમી વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ ચોરી કરવા નિરીક્ષક સાથે માથાકૂટ કરીને પેપર ફાડી નાખ્યું

- text


પૂરક પરીક્ષામા વધુ ૯ કોપીકેસ નોંધાયા

મોરબીનું પરીક્ષા સેન્ટર ચોરી માટે પંકાય ગયું હોય તેમ આજે ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા દરમ્યાન વધુ ૯ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં દસમી વખત પરીક્ષા આપનાર ધો.૧૦નો વિદ્યાર્થી ચોરી કરવી તેનો નૈતિક ધર્મ હોય તેમ ચોરી કરવા નિરીક્ષક સાથે માથાકૂટ કરીને પેપર ફાડી નાખ્યું હતું. અંતે પોલીસને બોલાવવી પડી હતી અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો.
મોરબીમાં ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા લેવાઈ રહી છે. આજે ધો.૧૦માં ગણિત વિષયની ૫૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે ધો.૧૨માં અંગ્રેજી વિષયની ૪૯માંથી ૪૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગઇકાલે ૮ કોપી કેસ થયા બાદ આજે વધુ ૯ કોપી કેસ નોંધાયા હતા. સ્થાનિક સ્કવોડ ટીમના અધિકારી મુકેશ ચૌહાણ, સમાજ કલ્યાણ ખાતાનાં અધિકારી એસ.વી.રાઠોડ અને સ્થળ સંચાલકે કડક ચેકિંગ કરી ધો.૧૦માં ૮ અને ધો.૧૨માં ૧ વિદ્યાર્થીને ચોરી કરતા ઝડપી લીધા હતાં. જેમાં ધો.૧૦નાં ૬ વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાયા હતાં જે સામે જાહેરનામાં ભંગની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. બે વિદ્યાર્થીઓ કાપલી સાથે ઝડપાયા હતા. અને ધો.૧૨માં એક વિદ્યાર્થી માઇક્રો ઝેરોક્ષ સાથે ઝડપાયો હતો. જ્યારે ધો.૧૦નો દસમી વખત પરીક્ષા આપતો વિદ્યાર્થીએ ચોરી કરવા મામલે સુપરવાઇઝર સાથે માથાકૂટ કરી હતી અને પોતાનું પેપર ફાડી નાખ્યું હતું. અંતે પોલીસે દરમ્યાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

- text

- text