મોરબી : સામાકાંઠા વિસ્તારમાં ગંદકીનો ગંજ

- text


સાફ સફાઈનાં અભાવે ઠેરઠેર ગટરો ઉભરાતા અને કચરાનાં ઢગલાઓને કારણે ગંભીર રોગચાળાની ભીતિ

મોરબી : સામાકાંઠા વિસ્તારમાં સફાઈ પ્રશ્ને ઓરમાયું વર્તન રખાતું હોય તેમ સફાઈનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. સામાકાંઠા વિસ્તારમાં મુખ્ય માર્ગો હોય કે અંદરના વિસ્તારના માર્ગો હોય આમ દરેક માર્ગો પર ધૂળ અને કચરાના ઢગલા જામેલા જોવા મળે અને ગટરો ગંદકીથી ઉભરાઇ રહી છે આવી સમસ્યા સામે ભાજપનું પાલિકામાં આવેલું નવું માળખું સામાકાંઠાનાં સફાઈ પ્રશ્ને યોગ્ય ધ્યાન આપે તે જરૂરી છે.
મોરબી શહેરની જેમ સામાકાંઠા વિસ્તારનો વિકાસ અવરોધાતો જોવા મળે છે ત્યારે તંત્રની ઈચ્છા શક્તિનો અભાવ વર્તાય છે પરિણામે સામાકાંઠા વિસ્તારનો વિકાસ અટક્યો છે. ખાસ કરીને સામાકાંઠાનો સફાઈનો પ્રશ્ન ગંભીર છે. સફાઈની જેટલી મોરબી શહેરમાં કાળજી લેવામાં આવે છે તેટલી કાળજી સામાકાંઠા વિસ્તારમાં લેવામાં આવતી નથી. મોરબીના મુખ્ય માર્ગો સમાન સામાકાંઠાનાં મુખ્ય માર્ગો, નટરાજથી સો ઓરડી રોડ, પરશુરામ પોટરી રોડ, ભડિયાદ રોડ, નટરાજથી ત્રાજપરા ચાર રસ્તા રોડ સહિતનાં માર્ગો પર પણ કચરા અને ધૂળના ગંજ જોવા મળે છે તેથી અહી પણ સફાઈનો અભાવ જોવા મળે છે. જેનાથી રોડ ઉપર સતત ધૂળની રજકણોનું પ્રદૂષણ ફેલાય છે. તેમજ ગટરની પણ સફાઈ કરવામાં આવતી નથી તેથી ગટરોનાં પાણી ઉભરાઈને દિવસો સુધી ગંદકી ફેલાવ્યાં બાદ આપમેળે જ સ્થિર થઈ જાય છે. આમ ગટર અને કચરાની સમસ્યા માટે તંત્ર દ્વારા ઉપરછલી સાફ સફાઈ હાથ ધરવામાં આવે છે. પરિણામે ગંદકીની ફેલાય છે. આ ઉપરાંત અંદરના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો મોટો પ્રશ્ન જોવા મળે છે. ત્યારે પાલિકાની નવી બોડી આ બાબતે યોજી પગલાં ભારે તેવી માંગ ઉઠી છે.

- text