દિવસ વિશેષ : કહેવાય છે રાજચંદ્રજીને માત્ર 7 વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયેલું

મોરબી પાસેનાં વવાણિયા ગામે જન્મેલાં રાજચંદ્રજીની આજે પુણ્યતિથિ

મોરબી : આજે શ્રીમદ્ રાજચંદ્રની પુણ્યતિથિ છે. તેઓ એક જૈન કવિ, અધ્યાત્મમૂર્તિ, તત્ત્વજ્ઞ, વિદ્વાન અને સમાજસુધારક હતા. તેમનો જન્મ મોરબી નજીકના વવાણિયા ગામમાં થયો હતો. એકી સાથે બનતી અનેક ક્રિયાઓમાં ભાગ લેવો, સતેજ સ્મૃતિ અને પ્રસંગે ક્રમાનુબદ્ધ સ્મરણ થવારૂપ શતાવધાનના પ્રયોગો તેમણે જાહેરમાં સફળતાપૂર્વક કર્યા, જેના પરિણામે તેમને અત્યંત લોકપ્રિયતા મળી, પરંતુ પોતાની આધ્યાત્મિક સાધનામાં અવરોધક જણાતાં, તે આ પ્રયોગોને તેમણે તિલાંજલિ આપી.

તેમનો જન્મ દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રમ સુરેદ્રનગરના સાયલા તાલુકામાં આવેલો છે.

કહેવાય છે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. ૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષિપ્ત પદોમાં લખ્યું. ૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં.

તેમણે પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. તેમણે આત્મસિદ્ધિ સહિત અનેક તત્ત્વજ્ઞાનસભર કાવ્યોની રચના કરી છે. તેમણે ઘણા પત્રો અને વિવેચનો લખ્યાં છે તેમજ કેટલાક ધાર્મિક ગ્રંથોનો અનુવાદ પણ કર્યો છે. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પરના તેમના બોધ માટે તથા મહાત્મા ગાંધીને તેમણે આપેલ આધ્યાત્મિક માર્ગદર્શન માટે તેઓ વિશેષ પ્રસિદ્ધ છે.

શ્રીમદ રાજચંદ્રનો જન્મ મોરબી (હાલ ગુજરાત, ભારત) નજીકના વવાણિયા બંદરમાં થયો હતો. તેમનાં માતા દેવબાઈ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન હતા અને તેમના પિતા રવજીભાઈ મહેતા અને દાદા પંચાણભાઈ મહેતા વૈષ્ણવ હિંદુ હતા. આમ, તેમને પ્રારંભિક જીવનથી જ જૈન ધર્મ અને હિંદુ ધર્મનો પરિચય થયો હતો. તેઓ વણિક સમાજ અંતર્ગત દશા શ્રીમાળી જ્ઞાતિના હતા. સાધુ રામદાસજીના હસ્તે તેમને વૈષ્ણવ ધર્મની કંઠી પહેરાવવામાં આવી હતી.

તેઓએ અન્ય ભારતીય ધર્મોનો અભ્યાસ કર્યો, જે દરમિયાન તેઓ જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત પ્રત્યે આકર્ષાયા. આગળ જતાં, જૈન ધર્મ “મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ” દર્શાવે છે એવી દ્રઢ માન્યતાના ફળસ્વરૂપે, તેઓએ જૈન ધર્મ અંગીકાર કર્યો.

તેમનું જન્મનું નામ લક્ષ્મીનંદન મહેતા હતું. જ્યારે ચાર વર્ષના હતા ત્યારે માતા-પિતાએ તેમનું નામ બદલીને રાયચંદ રાખ્યું હતું. પાછળથી આ નામ તેના સંસ્કૃત અર્થપર્યાય ‘રાજચંદ્ર’માં પરિવર્તિત થયું. તેમના મૃત્યુ બાદ, તેમના અનુયાયીઓએ ‘શ્રીમદ્’ એવો આદરસૂચક શબ્દ તેમના નામની આગળ ઉમેર્યો. તેમના અનુયાયીઓ તેમને ‘પરમ કૃપાળુ દેવ’ તરીકે પણ સંબોધે છે. તેઓ ૩૩ વર્ષની વયે ૯ એપ્રિલ, ૧૯૦૧નાં રોજ ખેડા ખાતે મૃત્યુ પામ્યાં હતાં.