હર્ષદ માતાજીએ દર્શને જતા વાંકાનેરના ભીમગુડા ગામના પરિવારને ફલ્લા નજીક અકસ્માત નડ્યો

- text


કારે પાછળથી ઠોકર મારતા ટ્રેકટરની ટ્રોલી પલ્ટી ખાઈ ગઈ : એક જ પરિવારના 15 ઇજાગ્રસ્ત

મોરબી : જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ નજીક આજે સવારે ટ્રેકટરને પાછળથી પુરપાટ આવતી કારે ઠોકર મારતા ટ્રેકટરની ટ્રોલી પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં વાંકાનેરના ભીમગુડાથી હર્ષદ માતાજી દર્શન કરવા ટ્રેકટરમાં જતાં એક જ કુટુંબના ૧૫ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાં એક પરિણીત યુવતીનું ઘટના સ્થળે અને એક મહિલાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામમાં રહેતા કરશનભાઈ જુગાભાઈ વીંજવાડીયા (ઉ.વ.૪૫) તેમજ કુટુંબના ૧૮ જેટલા સભ્યો દ્વારકા દર્શન કરવા જવા માટે ગઈકાલે વહેલી સવારમાં ટ્રેકટર લઈને નિકળ્યા હતાં. આ ટ્રેકટર જામનગર – રાજકોટ હાઈવે પર ફલ્લાથી રામપર ગામ વચ્ચે ક્રિષ્ના જીનીંગ મીલ સામે હાઈવે પરથી પસાર થતા હતાં. ત્યારે પાછળથી પુરપાટ આવતી કારે ઠોકર મારતા ટ્રેકટરની ટ્રોલી પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ટ્રોલીમાં બેસેલા કિરણબેન જયરાજભાઈ વીંજવાડીયા (ઉ.વ.૧૯) નામની પરિણિતાનુ માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે શાંતાબેન શામજીભાઈ વીંજવાડીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ અકસ્માતમાં વીંજવાડીયા કુટુંબના કરશનભાઈ જુગાભાઈ (ઉ.વ.૪૫), દેવાયત નથુભાઈ (ઉં.વ.૩૦), વિકાસ ગોરધનભાઈ (ઉ. વ.૧૭), રવી ગોરધનભાઈ (ઉ.વ.૧૦), મિતલબેન માવજીભાઈ (ઉ.વ.૪), જોશનાબેન મેપાભાઈ (ઉ.વ.૫૫), અંજુબેન કાનાભાઈ (ઉ.વ.૪૫), દિલીપ ગોરધનભાઈ (ઉ.વ.૧૧), શામજી રાયશીંગભાઈ (ઉ.વ.૬૫), અંકિતાબેન કીશનભાઈ (ઉ.વ.૩૧), જયરાજ અવચરભાઈ (ઉ.વ.૩૦), ગૌતમ કિશનભાઈ (ઉ.વ.૩) તેમજ રીંકલબેન મનસુખભાઈ મારૂણીયા (ઉ.વ.૧૯) સહિત ૧૫ લોકોને ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકામાંથી સગા- સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. આ બનાવની પોલીસને જાણ થતાં પ્રોબેશનલ પીઆઈ એમ.એલ.બોરીચા, પીએસઆઈ એ.કે.પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કરશનભાઈની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધીને ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

- text