સુપ્રીમ કોર્ટ ઝૂલતાપૂલ કેસમાં 14 માસના જેલવાસ બાદ જયસુખભાઈ પટેલના જામીન મંજુર કર્યા

ઓક્ટોબર 2022મા ઝૂલતો પુલ તૂટી પડયાના ત્રણ મહિના બાદ જયસુખભાઈ પટેલે જાન્યુઆરીમા 2023માં કોર્ટમાં સામેથી હાજર થયા હતા

મોરબી : મોરબીમાં 135 નિર્દોષ લોકોનો જીવ લેનારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને અંતે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, 14 માસ એટલે કે 416 દિવસથી વધુ સમય જેલમાં રહેલા જયસુખભાઈ પટેલના સુપ્રીમ કોર્ટ પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતે રેગ્યુલર જામીન મંજુર કર્યાનું જાણવા મળે છે.

વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં મોરબીનો ઝૂલતોપુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકારે પુલનું સંચાલન અને સમારકામ કરનાર અજંતા ઓરવા કંપનીને જવાબદાર ઠેરવી ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલને મુખ્ય આરોપી ગણી કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી સીટ મારફતે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો રીટ દાખલ કરી સરકારને ઝાટકી નાખી હતી.

દરમિયાન ઓક્ટોબર 2022મા ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાયા બાદ ત્રણ મહિના બાદ જયસુખભાઈ પટેલે 31મી જાન્યુઆરી 2023ના રોજ મોરબી કોર્ટમાં શરણાગતિ સ્વીકારતા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે બાદ રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટ, નીચલી કોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવતા જયસુખભાઈ પટેલે નામદાર સુપ્રિમકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા સુપ્રીમ કોર્ટ પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતોને આધીન જામીન અરજી મંજુર કરતા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલને રાહત મળી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી જેલમાં છેલ્લા 14માસ એટલે કે 416 કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા જયસુખભાઈ પટેલને સુપ્રિમમાંથી રાહત મળી છે પરંતુ હજુ જામીન હુકમ આવતા સમય લાગવાની સાથે કોર્ટ કાર્યવાહી સહિતની વિધિ બાદ હજુ પણ બે ચાર દિવસ બાદ જેલમુક્તિ મળે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.