‘બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આમ કરીને લૂણો લગાડું છું!’ : મીઠાની ચપટી ગાંધીજીના શબ્દો

- text


ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્વે ગાંધીજીના યુદ્ધ હુંકારને સાંભળવા ૬૦ હજાર લોકો સાબરમતી આશ્રમે ઉમટી પડેલા

દાંડીકૂચથી અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળના મંડાણ થયેલા

૬ એપ્રિલના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો

મોરબી : દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલા અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચથી ૬ એપ્રિલ, ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના ૭૮ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. ૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો. જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા. મીઠાની એક ચપટી ભરતાં એ ગાંધીજીએ વાણી ઉચ્ચારી હતી કે, ‘બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આમ કરીને લૂણો લગાડું છું !’

દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે ૨૫ માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ ચોથી મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જો કે, આ સત્યાગ્રહ અંગ્રેજો તરફથી મોટી કર માફી અપાવવામાં નિષ્ફળ રહ્યો.

દાંડી યાત્રાની પૂર્વતૈયારી

૫ ફેબ્રુઆરીએ સમાચારપત્રોએ ખબર છાપી કે ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરી સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરશે. આ સત્યાગ્રહ ૧૨ માર્ચે શરૂ થશે અને ૬ એપ્રિલે મીઠાના કાયદાના ભંગ સાથે દાંડી ખાતે સમાપ્ત થશે. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી પ્રાર્થનાસભાઓમાં તથા પ્રેસના સીધા સંપર્કમાં નિયમિત નિવેદન બહાર પાડી વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમના નિવેદનોથી તેમની ધરપકડ થવાની સંભાવના વધતી રહી. ભારતીય, યુરોપીયન તથા અમેરીકન સમાચારપત્રોના સંવાદદાતાઓ અને ફિલ્મ કંપનીઓ આ સમગ્ર ઘટનાક્રમના દસ્તાવેજી અહેવાલ માટે તૈયાર રહ્યાં.

કૂચ માટે ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હતા. આ કારણોસર જ તેમણે કૂચ માટે કોંગ્રેસ પક્ષના સભ્યોના બદલે પોતાના આશ્રમમાં પ્રશિક્ષિત સ્વયંસેવકો પર પસંદગી ઉતારી હતી. ૮ જિલ્લા અને ૪૮ ગામોને આવરી લેતી ૨૪ દિવસની કૂચ દરમિયાન રાત્રિરોકાણ, સંપર્કો અને સમય આયોજન સાથેની યોજના તૈયાર કરવામાં આવી. કૂચ પહેલાં ગાંધીજીએ પ્રત્યેક ગામમાં પોતાના સ્વયંસેવકો મોકલ્યા. જેથી, તે સ્થાનિકો સાથે મળીને રાત્રિરોકાણની વ્યવસ્થા કરી શકે. પ્રત્યેક કાર્યક્રમને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સમાચારપત્રોમાં પ્રકાશિત કરાયા.

- text

૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો. જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કરવધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો. વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરી આ પ્રસ્તાવને ફગાવી દેતાં કૂચની તૈયારીઓએ ગતિ પકડી. ગાંધીજીએ ટીપ્પણી કરી કે, ” મેં ઘૂંટણ ટેકવીને રોટલીનો ટુકડો માંગ્યો હતો બદલામાં મને પથ્થર મળ્યા.” કૂચની પૂર્વ સંધ્યાએ હજારો ભારતીયો ગાંધીજીના પ્રાર્થનાસભાના ભાષણને સાંભળવા સાબરમતી આશ્રમે ઉમટી પડ્યા. ધ નેશનએ અહેવાલ છાપ્યો કે ગાંધીના યુદ્ધ હુંકારને સાંભળવા ૬૦૦૦૦ લોકો નદીકિનારે ઉમટી પડ્યાં.

આ કૂચમાં ગાંધીજી સહિત કુલ ૮૦ સ્વયંસેવકોએ ભાગ લીધો જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની હતી. જેમ જેમ કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. દાંડી કૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય ૩૦ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ દાંડી ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

- text