મોરબી કોંગ્રેસ ખતમ ! નવા પ્રમુખની નિમણૂકના વિરોધમાં ધડાધડ રાજીનામા

- text


બે મહામંત્રી, ઉપપ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અને માલધારી સેલના ઉપપ્રમુખ સહિત વધુ 5 હોદ્દેદારોના રાજીનામા

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણુંકના વિરોધમાં સોમાવરે વધુ 5 હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી જવાની સાથે લોકસભા ચૂંટણી સમયે જ મોરબી જિલ્લા કોંગ્રેસ ખતમ થવાને આરે આવી ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મવડી મંડળ દ્વારા બળવાખોર ગણાતા કિશોર ચીખલીયાની નિમણુંક કરતા અગાઉ પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ અને મુકેશ ગામીએ નારાજગી નામું એટલે કે રાજીનામુ ફગાવ્યા બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઈ એરવાડીયા, પ્રકાશભાઈ બાવરવા અને ઉપપ્રમુખ અશ્વિનભાઈ વિડજા અને માલધારી સેલના ઉપ પ્રમુખ મનસુખભાઇ રબારીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. સાથે જ મોરબી શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ જાન મામદ ચાનીયાએ પણ રાજીનામું ધરી દીધું છે.

- text

વધુમાં રાજીનામા પત્રમાં તમામ આગેવાનોએ કોંગ્રેસના તમામ હોદાઓ ઉપરથી રાજીનામુ આપી રહ્યા હોવાનું જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું લખીને મોકલી આપ્યું છે. ચેતનભાઈ એરવાડીયા, પ્રકાશભાઈ બાવરવા, અશ્વિનભાઈ વિડજા અને જાન મામદ ચાનીયા અને માલધારી સેલના ઉપ પ્રમુખ મનસુખભાઇ રબારીએ અંગત કારણોસર સ્વૈચ્છિક રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે અને પક્ષના તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે.

જો કે મોરબી કોંગ્રેસના આગેવાનોના રાજીનામા આપવા પાછળ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક સામેની નારાજગી હોવાનો સ્પષ્ટ સંદેશ છે. ત્યારે લોકસભા ચૂંટણી સમયે જ મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ધડાધડ રાજીનામા આપતા હવે મોરબીમાં કોંગ્રેસ ખતમ થવા તરફ હોવાનું મનાય રહ્યું છે.

- text