વડાપ્રધાન સાથે મુક્તમને વાત કરતા નાના ખીજડીયાના લાભાર્થી ગીતાબેન ચૌહાણ

મોરબી : “આજે મને મારા સપનાનું ઘર મળતા મારી મોટી ઈચ્છા પૂર્ણ થઈ છે અને હું ખૂબ ખુશી અનુભવું છું” આ શબ્દો છે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના વતની ગીતાબેન ચૌહાણના.

મોરબી વિધાનસભાના કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ-લોકાર્પણ પ્રસંગે લાભાર્થીઓ સાથે લાઇવ વાતો કરી હતી. જેમાં ગીતાબેન ચૌહાણે પણ વડાપ્રધાન સાથે મુક્તમને સરકાર તરફથી પોતાને મળતા લાભોની વાત કરી ખુશી વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન સાથે વધુમાં વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આજે જ્યારે વડાપ્રધાન સાથે વાત કરી રહી છું ત્યારે ભગવાન સાથે વાત થતી હોય તેવી ખુશી થઈ રહી છે. વધુમાં જણાવ્યું હતું કે સરકાર તરફથી જે મફત પ્લોટ મળ્યો છે જેમાં મેં મારા સપના નું ઘર બનાવ્યું છે. આનાથી હું ખૂબ ખુશ છું. પરિવાર અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. ત્રણ દીકરીઓમાં એક દીકરી ડેન્ટલનું ભણે છે, એક દીકરી કોલેજ કરે છે અને એક દીકરી અજંતામાં નોકરી કરે છે. જ્યારે દીકરો શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો છે. સારુ મકાન મળ્યા પછી સંતાનોના સગપણ માટે પણ સારા માંગા આવી રહ્યા છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સપનાનું ઘર મળતા દીકરા-દીકરીઓને જેવું ઘર જોઈતું હતું તેવું ઘર હવે મળશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બાળકોને તમે આપેલા સંસ્કાર અને શિક્ષણ જ તમારી મોટામાં મોટી મૂડી છે. એટલે કે તમે ઘર પછી બનાવ્યું પહેલાં બાળકોની જિંદગી બનાવી છે.

ગીતાબેને વધુમાં વાતચીત કરતા જણાવ્યું હતું કે હું ઘરે ઇમિટેશનનું કામ કરું છું જે ટંકારાથી લાવું છું. આ ઉપરાંત સરકાર તરફથી સારી ગુણવત્તા વાળું અનાજ પણ સમયસર મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. અંતમાં ગીતાબેને દીકરાને પણ સરકારી નોકરી મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.