મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ દ્વારા ‘માર્ગ સલામતી માસ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આજ રોજ 5 ફેબ્રુઆરીએ માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક અવેરનેસ અને અકસ્માત સંભાળ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી આરટીઓ, મોરબી ટ્રાફિક પોલીસ તથા મોરબી સિવિલ હોસ્પિટલના તજજ્ઞ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકો, કોલેજના વિદ્યાર્થીઓ તથા ભગિની સંસ્થા એન. જી. મહેતા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સંદર્ભે તજજ્ઞો દ્વારા વક્તવ્ય તથા પ્રયોગો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરટીઓના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર રાવલ, મોરબી સિટી ટ્રાફિકના પીએસઆઇ અબડાએ વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈતી બાબતો પર ખાસ પ્રકાશ પાડ્યો હતો. હેલ્મેટ તથા સીટબેલ્ટનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે પાડવા જોઈતા નિયમો અને તેથી પ્રાપ્ત થતી સુરક્ષા પ્રત્યે તેમણે ખાસ સમજૂતી આપી હતી.

ત્યારબાદ સિવિલ હોસ્પિટલના એમડી ડો. અઘારાના નેતૃત્વ હેઠળ ડોક્ટરોની ટીમે સીપીઆરની વિગતે સમજૂતી આપી હતી. કેવા સંજોગોમાં? કઈ રીતથી? સીપીઆર આપી શકાય તે વક્તવ્ય તથા પ્રાયોગિક માર્ગદર્શનથી સમજાવ્યું હતું. આમ બંને વિભાગ દ્વારા એટલે કે આરટીઓ અને ટ્રાફિક દ્વારા અકસ્માત ન થાય તે માટે શું કરવું જોઈએ તેની સમજૂતી પૂરી પાડવામાં આવી હતી અને મેડિકલની ટીમ દ્વારા અકસ્માત પછી સીપીઆર આપવાના સંજોગો સર્જાય તો માનવ જિંદગી કઈ રીતે બચાવી શકાય તે સંદર્ભનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા અગાઉ યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ પ્રા. કે. આર. દંગીએ અધ્યક્ષ સ્થાનેથી તજજ્ઞ વક્તવ્યોને બિરદાવી વિદ્યાર્થીઓને તે પ્રત્યે સજાગ થવા નિર્દેશ કર્યો હતો. આ કાર્યક્રમમાં એન. જી. મહેતા હાઈસ્કૂલના પીટીઆઇ એ. કે. વારોતરીયા ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના સમગ્ર સ્ટાફ, નહેરુ યુવા કેન્દ્રના કર્મચારીઓ ઉપરાંત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રામ વારોતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. એનએસએસના સ્વયંસેવકોએ વ્યવસ્થાકીય કામગીરી સાંભળી હતી.

- text