મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ગૌમાતાના લાભાર્થે દાન આપી પુણ્યનું ભાથું બાંધવાનો અવસર

- text


ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગાયત્રી, ગુરૂ અને ગોવિંદનો મહિમા

ઉત્તરાયણમાં ગાયને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવવાની પરંપરા

મોરબી : સેવા અને પરોપકાર ભાવ તો હિન્દુ ધર્મના મુળભૂત સિદ્ધાંતો પૈકી એક છે. ધર્મની ત્રણ શાખા છે. યજ્ઞ, સ્વાધ્યાય અને દાન, આમાં દાન પ્રથમ સ્થાને છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ સ્વયં કહ્યું છે કે યજ્ઞ, દાન, તપ જ્ઞાનીઓને પણ પવિત્ર કરનારા છે. ઉત્તરાયણના પર્વે ગૌમાતાના લાભાર્થે દાન કરવાનો અનેરો મહિમા છે.

ધાર્મિક માન્યતા અનુસાર ગાયોને ઘાસ ખવડાવવા અંગે તો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે તીર્થ સ્થાનોમાં જવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, અનેક વ્રત, તપ, ઉપવાસ કરવાથી, પૃથ્વીની પરિક્રમા કરાવાથી, હરિનું પૂજન કરવાથી તથા તમામ પુણ્ય માત્ર ગાયને ઘાસ નાખવાથી અને ગાયની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. કહેવાયું છે કે જે વ્યકિત પોતાના પિતૃઓનું શ્રાધ્ધ કાર્ય કરવા સક્ષમ ન હોય તો તે ફકત ગાયને શ્રધ્ધા પૂર્વક ઘાસ ખવડાવે તો એને સંપૂર્ણ શ્રાધ્ધ કાર્યનું  પૂણ્ય પ્રાપ્ત થાય છે.

ભારતીય સંસ્કૃતિમાં તો ગાય, ગંગા, ગાયત્રી, ગુરૂ અને ગોવિંદનો મહિમા છે. સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં આપણે ગાયને જ માત્ર માતાનું બિરૂદ આપ્યું છે. પશુધનમાં સૌથી શ્રેષ્ઠ ગોધન છે. કહેવાય છે કે,ઋષિ-મુનિઓ ઉપર પ્રસન્ન થઈ, પરમાત્માએ વરદાન માંગવાનું કહ્યુ ત્યારે મુનિ-મહર્ષિઓએ સ્વર્ગમાં રહેતી કામઘેનું ગાયને પૃથ્વી પર મોકલવાનું વરદાન માંગ્યું,અને વરદાન સ્વરૂપ ગાયનું અવની પર અવતરણ થયું. આમ, ગાયએ ભગવાન તરફથી મનુષ્યને મળેલું  મોઘેંરુ વરદાન છે. ત્યારે ઉત્તરાયણના પર્વમાં લોકો પતંગ ઉડાડીને ઉજવણી કરવાની સાથે આ દિવસે ગૌમાતાને દાન-પુણ્યનું પણ મહત્વ રહેલું છે.

- text

હિંદુ ધર્મમાં ગાય માતાને વિશેષ મહત્વ આવે છે, ગાયને એક પવિત્ર પ્રાણી ગણવામાં આવે છે. ગાયમાં 33 કોટી એટલે કે 33 પ્રકારના દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અનેક તહેવારોમાં ગૌમાતાની પૂજા કરવામાં આવે છે. ઉત્તરાયણમાં પણ ગાયને ઘાસચારો ખવડાવવાની તેમજ ઘૂઘરી ખવડાવવાની પરંપરા છે.

ઉત્તરાયણના દિવસે અલગ-અલગ ગૌશાળા તેમજ જે સ્થળોએ લીલો ઘાસચારાનું વેચાણ કરાતું હોય, ત્યાં લોકોની ભીડ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાયને ઘૂઘરી બનાવીને ખવડાવામાં આવે છે. બાજરાને બાફી તેમાં ગોળ અને તેલ નાંખીને ઘૂઘરી તૈયાર કરવામા આવે છે, ત્યારબાદ ઘર આંગણે ગાયોને ઘૂઘરી ખવડાવવામાં આવે છે.

શિયાળાના સમયમાં ગાયને ગોળ ખવડાવવાના આશયથી આ ઘૂઘરી બનાવામાં આવે છે, વર્ષો પહેલાં વડીલોએ પરંપરા શરૂ કરી હતી. આજે પણ કેટલાંક પરિવારો ઉત્તરાયણના દિવસે ગાયને બાજરી અને ગોળમાંથી તૈયાર થયેલી ઘૂઘરી ખવડાવવી અને પુણ્યનું ભાથું બાંધે છે. જો કે, ગાયને મર્યાદિત માત્રામાં ઘૂઘરી ખવડાવવી જોઈએ.

ગાયને મર્યાદિત માત્રામાં ખવડાવો ઘૂઘરી

ગાયને વધારે પ્રમાણમાં ઘૂઘરી ન ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. જો વધારે પ્રમાણમાં ગાયને ઘૂઘરી ખવડાવવામાં આવે, તો ગાયને અનેક સમસ્યાઓ થઈ શકે છે. એક જ દિવસમાં ઘણું બધું અનાજ ખવડાવવામાં આવે, તો ગાયના આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે.

- text