નેકનામ ખોડલમાતા મંદિરે ભવ્યાતી ભવ્ય રજત જયંતિ મહોત્સવ ઉજવાયો 

- text


ટંકારા : ખોડલધામ નેકનામમાં ખોડિયાર માતા મંદિરનો રજત જયંતિ મહોત્સવ ગત તા.24ના ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો.

ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ નેકનામ દ્વારા ભોરણિયા પરિવાર આયોજિત ખોડિયાર માતાજીની તથા વિહોત માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના ૨૫માં પાટોત્સવ નિમિતે વૈદિક દૈવી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં 75 દંપતીઓએ યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વૈદિક પરંપરા જીવંત રાખવા ખોડલધામનાં ભવ્ય અને દિવ્ય સમિયાણામાં પચીસ કુંડી વૈદિક યજ્ઞનું આચાર્ય આશિષભાઈ પંડયા – કોયલીવાળા (હાલ મોરબી)ના અધિષ્ઠાનમાં યજ્ઞના બ્રાહ્મણ, પુરોહિત, ઋત્વિજ, અને હોતાઓના પાવન મુખે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સાથે સાથે 50 કિલો ધૃત(ઘી) અને અન્ય અસંખ્ય હવન સામગ્રી યજ્ઞવેદીમાં હોમીને પર્યાવરણને શુદ્ધ, શુચિ, પવિત્ર, દિવ્ય અને ભક્તિમય બનાવ્યું અને વૈદિક દૈવી મહાયજ્ઞ સુપુરે સંપન્ન કર્યો હતો.

કાર્યક્રમના દ્રિતીય સોપાનમાં એસ.એસ.સી., એચ.એસ.સી., ગ્રેજ્યુએટ, પી.એચ.ડી., જી.પી.એસ.સી., એમ.બી.બી.એસ. અને એમ.એસ. કક્ષાના કુલ 52 ભોરણિયા પરિવારના જ્વલંત સિતારાઓને ત્રણ દાતાઓ દ્વારા પ્રાપ્ત શિલ્ડ અલગ અલગ દાતાઓના વરદ હસ્તે એનાયત કરી સન્માનીત કર્યાં હતા. આ તકે વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને યશસ્વી સફળતા હાંસલ કરવા ડૉ. ચિરાગ ભોરણિયાએ (ડાયરેક્ટર આઈ.સી. સેન્ટર બ્યુરો ઓફ કોમ્યુનિકેશન) જરૂરી માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાના નાનાવિધ કૃતિઓ રજૂ કરી દર્શકોને, પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, સર્વે ટ્રસ્ટીઓ તથા નેકનામ, હમીરપર, રોહિશાળા- ત્રણેય ગામના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આમરણ, જોડિયા, નાનીબરાર, કેરાળા, ભક્તિનગર, નારણકા, ટીંબડી, બંગાવડી, બોડીઘોડી, દેવળિયા, ચાચાપર, સખપર, જોધપર, થાણાપીપળી, મોટા ખીજડિયા, ખજૂરડા વગેરે ગામના સાથ સહકારથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.

- text

કાર્યક્રમનું સફળ અને પ્રશંસનીય સંચાલન પ્રવીણભાઈ ભોરણિયા(નાનીબરાર) અને ઘનશ્યામભાઈ ભોરણિયા(હમીરપર) દ્વારા થયું હતું. મંદિરે પધારેલ ભોરણિયા પરિવારના સર્વે ભાઈઓનું અને બહેનોનું સુંદર શબ્દગુચ્છથી સ્વાગત મનસુખભાઈ ભોરણિયાએ અને આભારવિધિ નાથાભાઈ ભોરણિયાનએ કરી હતી.

- text