સિરામિક એક્સપોર્ટમાં પડયા ઉપર પાટુ : શિપિંગ કંપનીઓએ એક કન્ટેનર દીઠ 1500 ડોલર સરચાર્જ ઝીક્યો

- text


લાલ સમુદ્રમાં હુથી બળવાખોર ચાંચિયાઓના આતંકને કારણે સમુદ્રી રૂટ ડાયવર્ટ કરાતા તા.19 ડિસેમ્બરથી સરચાર્જ અમલી, કન્ટેનર મોડા પહોચશે

મોરબી : લાલ સમુદ્રમા હાલમા હમાસના સમર્થનમાં રહેલા હુથી બળવાખોરો દ્વારા આતંક મચાવવામાં આવતા અનેક શિપિંગ કંપનીઓએ પરિવહન અટકાવી દીધું છે તો બીજી તરફ વર્તમાન પરિસ્થિતી જોતા શિપિંગ કંપનીઓએ રૂટ ડાયવર્ટ કરી 1500 ડોલર સરચાર્જ ઝીકતા સિરામિક સહિત દરેક ભારતીય એકસપોર્ટર અને વિદેશી ઇમ્પોર્ટર માથે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે.

ઈરાન સમર્થિત હુથી બળવાખોરોના વધતા હુમલાઓને કારણે અનેક શિપિંગ કંપનીઓમાં ગભરાટ ફેલાયો છે, બ્રિટનની એનર્જી બીપીએ લાલ સમુદ્રમાંથી તેની શિપમેન્ટ રોકવાનો નિર્ણય લીધો છે. હાલમાં લાલ સમુદ્ર વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ ઘણી બગડી ગઈ છે. યમનમાં હુથીઓના હુમલા પછી, ઘણી કંપનીઓએ ડરના કારણે લાલ સમુદ્ર દ્વારા વેપાર કરવાનું પણ બંધ કરી દીધું છે. એવરગ્રીન લાઈને કહ્યું છે કે તેણે તેના કન્ટેનર જહાજોને આગળના આદેશો સુધી સફર સ્થગિત કરવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તેલ અને ઈંધણના શિપમેન્ટ માટે લાલ સમુદ્ર એક મહત્વપૂર્ણ માર્ગ છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરો આ માર્ગ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવે છે અને તેમને લૂંટવાનો પ્રયાસ કરે છે. જ્યારે જહાજો બાબ અલ મંડબમાંથી પસાર થાય છે ત્યારે હુથી બળવાખોરો હુમલો કરે છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં હુથી બળવાખોરોએ હમાસને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. તેથી હુથિઓ કહે છે કે તેઓ ઇઝરાયેલ જતા જહાજોને નિશાન બનાવશે. તાજેતરમાં હુથી બળવાખોરોએ યુકેના એક જહાજનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો બાદ મોટાભાગની શિપિંગ કંપનીઓએ મિડલ ઇસ્ટ સહિતના દેશોમાં જવા માટે રૂટ ડાયવર્ટ કર્યો છે.

- text

બીજી તરફ મોરબીના અગ્રણી એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે લાલ સમુદ્રમાં તંગ પરિસ્થિતિને કારણે શિપિંગ કંપનીઓ દ્વારા તાત્કાલિક અસરથી દરેક કંટેનર દીઠ 1500 અમેરિકન ડોલરનો સરચાર્જ લાગુ કર્યો છે. આ સરચાર્જ ચૂકવવો ઉદ્યોગકારો માટે કઠિન છે. આ સ્થિતિમાં આવનાર સમયમા ભારતીય પ્રોડકટના ભાવ વધશે કારણ કે સરચાર્જ વધતા જે તે દેશના ઇમ્પોર્ટરો ઉપર આ ભારણ વધતા આપણો માલ તેમને મોંઘો પડશે જેના કારણે આવનાર થોડા સમય માટે કંટેનર લોડીંગ પ્રકીયામા પણ વરવી અસર પડશે . પરીણામ સ્વરૂપે આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યા સુધી એકસપોર્ટ ઉપર સરચાર્જની સીધી જ માઠી અસર પડશે.

- text