મોરબીનું મૂનનગર બન્યું ગટર નગર ! ગટર ઉભરાવાથી લોકો ત્રસ્ત

- text


છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્ર બેધ્યાન રહેતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીમાં હાલ ગટરની સમસ્યાએ માજા મૂકી છે. આમ તો નવી ભૂગર્ભ ગટર નાખી ત્યારથી ઘણા ખરા વિસ્તારમાં ગટરની ગંદકી ઓવરફ્લો થવાનું ગ્રહણ લાગ્યું છે. પણ હવે વિકટ સમસ્યા સર્જાતા વધુ એક વિસ્તારમાં ગટર ઉભરવાની સમસ્યા સામે આવી છે.

મોરબીના લાતીપ્લોટ પાછળ આવેલા મુનનગર વિસ્તારમાં હમણાંથી ગટરની ગંદકીએ ભારે વર્ચસ્વ જમાવ્યું છે અને મુનનગર વિસ્તારના મેઈન રોડ ઉપર વરસાદી પાણીની જેમ ગટરના ગંદા પાણીએ આડો આંક વાળી દીધો છે. લોકોને ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબુર બનવું પડે છે. 15 દિવસથી નર્કથી બદતર પીડાનો સામનો કરી રહેલા સ્થાનિકોની વેદના નીંભર તંત્રને સંવેદનાને જાગૃત કરી શકી નથી. જો કે ઘણા સમયથી શહેરમાં ઠેરઠેર ભૂગર્ભ ગટરનો સળગતો પ્રશ્ન છે. ક્યારેય પણ તંત્રએ આ ગંભીર સમસ્યા ઉકેલવા માટે નક્કર કાર્યવાહી કરી નથી. ત્યારે આવા સંજોગોમાં મોરબી નગરપાલિકાની બોડી સુપરસિડ થઈ જતા અને અધિકારીઓના શિરે આવેલું પાલિકાનું સુકાન સંભળવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.અધિકારીઓને મોરબી પાલિકાનો ઇન્ચાર્જનો હવાલો હોય તેઓ તેમની મૂળ ફરજ નિભાવવામાં ફુરસદ ન મળી હોવાથી ગટરની ગંદકી વિકટ બનતા લોકોનું આરોગ્ય રામભરોસે થઈ ગયું છે.

- text

- text