મોરબીમાં મૈત્રીકરાર કરીને રહેતા યુવાનનું અપહરણ, પોલીસે મુક્ત કરાવ્યો

- text


સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જસદણના ભડલી ગામેથી યુવાનને મુક્ત કરાવી સાત આરોપી ઝડપી લીધા

મોરબી : મોરબીના રવાપર ગામે રાજકોટની પરિણીતા સાથે મૈત્રીકરાર કરીને રહેતા યુવાનનું પરિણીતાના પતિ, સસરા, દિયર સહિતનાઓએ અપહરણ કરી ઇકો કારમાં નાસી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ ચકચારી બનાવના ગણતરીની કલાકોમાં જસદણ તાલુકાના ભડલી ગામની વાડીમાંથી યુવાનને બંધનમુક્ત કરાવી સાત આરોપીઓને દબોચી લીધા હતા. હજુ આ બનાવમાં બે આરોપીઓને પકડવાના બાકી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે ઉમિયા સોસાયટીમાં રાજકોટની પરિણીતા વર્ષાબેન હરેશભાઇ કરમટા સાથે છેલ્લા બે માસથી ભાડાના મકાનમાં રહેતા રમેશભાઈ ખોડાભાઈ નાગહનું ગઈકાલે તા.6ના રોજ વર્ષાબેનના પતિ, સસરા અને દિયર સહિતના શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કરી નાસી જતા વર્ષાબેન હરેશભાઇ કરમટાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર એલર્ટ બની તાત્કાલિક નાકાબંધી કરાવી, સીસીટીવી અને હ્યુમનસોર્સ વડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

બીજી તરફ ટેક્નિકલ સોર્સ મારફતે તેમજ હ્યુમન સોર્સ વડે પોલીસને સચોટ માહિતી મળતા પોલીસ ટીમે જસદણ તાલુકાના ભડલી ગામની સીમમાં આવેલ ભુપતભાઇ ઘુઘાભાઈ આલની વાડીએ છાપો મારી અપહૃત રમેશભાઈ ખોડાભાઈ નાગહને વાડીની ઓરડીમાંથી દોરડા બાંધેલી હાલતમાંથી મુક્ત કરાવ્યા હતા.

- text

દરમિયાન આ ચકચારી અપહરણ કેસમાં સીટી એ ડિવિઝન પોલીસે રમેશભાઈ નાગહનું ઇકો ગાડીમાં અપહરણ કરનાર આરોપી હામાભાઇ પાંચાભાઈ કરમટા રહે.રાજકોટ આજીડેમ બાજુમા ગોકુલપાર્ક શેરીનં.2, ભુપતભાઇ ધુધાભાઇ આલ રહે.ભડલી તા.જસદણ, લાલજીભાઇ વેરશીભાઇ ખાંભલા રહે.ભડલી તા.જસદણ, ભરતભાઇ જીવણભાઈ કરોતરા રહે. સેન્ટમેરી સ્કુલ પાછળ, જલારામ મંદીર પાસે મોરબી, શકિતસિંહ મહોબતસિંહ વાળા રહે. કન્યાછાત્રાલય રોડ ચંદ્રેશનગર-2 મોરબી, સંજયભાઇ રાયાભાઇ મીઠાપરા રહે.આજીડેમ ચોકડ, ભારતનગર રાજકોટ અને અશોકભાઇ ગોરધનભાઈ ધરજીયા રહે.રાધેક્રિષ્ના સોસાયટી રામધનની બાજુમા, રાજકોટ વાળાને ઝડપી લીધા હતા. જ્યારે પરિણીતાના પતિ એવા આરોપી હરેશભાઇ હામાભાઈ કરમટા અને માત્રાભાઇ હામાભાઇ કરમટા રહે. બન્ને શીવધારા સોસાયટી હુડકો ચોકડીની તથા તપાસમાં ખુલ્લે તે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હોય ફરાર દર્શાવી તમામને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ કરી ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ ઇકો ગાડી કબ્જે કરી હતી.

આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ એ.વી.પાતળીયા તથા સર્વેલન્સ સ્ટાફ મોરબી સીટી એ ડિવિઝન સ્ટાફ, ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એચ.એમ.વ્યાસ, પીએસઆઇ કે.એચ.ભોચીયા, એન.સી.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ તેમજ ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એચ.એમ.વ્યાસ, પીએસઆઇ આર.વી.અંસારી તથા એસઓજી સ્ટાફ જોડાયેલ હતો.

- text