शुभं करोति कल्याणम् : આજથી ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સવંત ૨૦૮૦નો શુભારંભ

નવી આશા અને ઉમંગ સાથે મંગલમય શુભકામનાઓ પાઠવીને દેવદિવાળી સુધી થશે નવા વર્ષની હર્ષભેર ઉજવણી

મોરબી : બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે.

દિવાળી પછીના દિવસને ગુજરાતમાં નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. દિવાળી મહાપર્વના પાંચ દિવસીય તહેવારનો આ ચોથો દિવસ છે. હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી વિક્રમ સવંત શરૂ થાય છે. કાર્તિક મહિનો એ ચંદ્ર ચક્ર પર આધારિત હિન્દુ કેલેન્ડરમાં ગુજરાતમાં વર્ષનો પ્રથમ મહિનો છે. ગુજરાતીઓ માટે આ ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે. ગુજરાતીઓ शुभं करोति कल्याणम् એટલે કે ‘સૌનું શુભ અને કલ્યાણ થાઓ’ની ભાવના સાથે એકબીજાને “નૂતન વર્ષાભિનંદન” કહીને શુભેચ્છા પાઠવે છે.

ગુજરાતીઓના વર્ષને વિક્રમ સંવત તરીકે ઓળખવામાં આવે છે. આજે કારતક સુદ એકમથી ગુજરાતીઓનું નવું વર્ષ શરુ થાય છે. દિવાળીના દિવસે વિક્રમ સંવત 2079 પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમજ આજે તા. 14મી નવેમ્બર 2023થી વિક્રમ સવંત 2080નો શુભારંભ થઈ રહ્યો છે.

પરંપરા મુજબ બેસતા વર્ષની સવારે દીવા પ્રગટાવીને અને ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ફટાકડાના અવાજથી ઘરમાં ખરાબ શક્તિઓ આવતી નથી. આ દિવસથી વેપારીઓ માટે નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે. આ દિવસે નવા ચોપડામાં જુના હિસાબો આગળ ધપાવવામાં આવે છે. સ્વાદિષ્ટ વાનગીઓ અને અવનવી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

નવા વર્ષ નિમિત્તે પડોશીઓ અને સંબંધીઓ દેવદિવાળી સુધી તેમના સમય અનુસાર એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા જાય છે. બાળકો વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે અને વડીલો બાળકોને ભેટ કે પૈસાનું કવર આપે છે. વર્ષનો પહેલો દિવસ હોવાથી લોકો ઇષ્ટદેવના મંદિરની અચૂક મુલાકાત લે છે. મંદિરને સારી રીતે શણગારવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાનની હવેલી અને મંદિરમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.

ભારતના લોકોને ઉત્સવપ્રિય છે. સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક અને ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વસતાં વિવિધ સમુદાયોમાં પણ એક કરતાં વધુ નવા વર્ષ ઉજવાય છે. ત્યારે આજે ગુજરાતીઓ નવી આશા અને ઉમંગ સાથે મંગલમય શુભકામનાઓ સાથે નવા વર્ષની હર્ષભેર ઉજવણી કરી રહ્યા છે.