આજે હવેલીઓમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મનોરથ : દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણે આરંભેલી પરંપરા આજ દિન સુધી જીવંત

- text


ગોવર્ધન પૂજામાં ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવીને તેનું પૂજન કરાય છે

અન્નકૂટની મધ્યમાં સખડી એટલે કે રાંધેલા ચોખાનો કૂટ (પર્વત આકારનો ઢગલો) કરવામાં આવે છે.

મોરબી : આજે આમ તો દિવાળીના તહેવારોમાં પડતર દિવસ છે પરંતુ તેની સાથે આજે હવેલીઓમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મનોરથ પણ છે. સામાન્ય રીતે, ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક સુદ એકમના દિવસે ગોવર્ધન પૂજા થાય છે, પરંતુ તિથીઓની વધઘટના લીધે કૃષ્ણમંદીરોમાં આજે ગોવર્ધન પૂજાનો ઉત્સવ મનાવાય છે.

કારતક સુદ પ્રતિપદાને દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગિરીરાજજીને ધારણ કર્યાં. ગોવર્ધનને ધારણ કર્યાં પૂર્વે ભગવાને અન્નકુટનો મનોરથ કર્યો હતો. આ રીતે ગોકુળમાં શ્રી કૃષ્ણે આરંભ કરેલી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ આજ દિન સુધી કારતક સુદ એકમના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર આજે દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ગોવર્ધન પૂજા છે.

ગોવર્ધન પૂજા

ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્વ છે. તેમજ પ્રાચીન શાસ્ત્રોમાં ગાયના ગોબરનું વિશેષ મહત્ત્વ છે. પાંચ દિવસીય દિવાળી પર્વમાં ગોવર્ધન પૂજા પણ એક ઉત્સવ છે. ગોવર્ધન પૂજામાં ગાયના છાણમાંથી ગોવર્ધનના રૂપમાં પર્વત બનાવવામાં આવે છે. ક્યારેક ભગવાન કૃષ્ણનું સ્વરૂપ પણ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. અને તેનું પૂજન કરવામાં આવે છે.

અન્નકૂટ મનોરથ

અન્નકૂટનો અર્થ થાય છે અન્નનો સમૂહ. વિભિન્ન પ્રકારના અન્નને સમર્પિત અને વિતરણ કરવાના કારણે જ આ પર્વનું નામ અન્નકૂટ પડ્યું છે. આ દિવસે અનેક પ્રકારના પકવાન, મીઠાઈ વગેરેના ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. કારતક સુદ એકમનો દિવસ ગોવર્ધન ઉત્સવ તરીકે ઉજવાય છે. અન્નકૂટ કે ગોવર્ધન પૂજાની શરૂઆત દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના અવતાર બાદ થઈ હતી. આ દિવસે ભગવાન કૃષ્ણને વિવિધ પકવાન અને રાંધેલા ભાત પર્વતાકારમાં અર્પણ કરવામાં આવે છે.

સામાન્ય રીતે, ગુજરાતમાં બેસતાં વર્ષનાં દિવસે હવેલીઓ અને કૃષ્ણ મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરવામાં આવે છે અને ગોકૂળની પરંપરા આગળ ધપાવી થાળ-ગાન કરવામાં આવે છે. નવાં અનાજની નવી નવી વાનગીઓ ધરાવીને ભગવાન સમક્ષ અન્નકૂટ ધરવામાં આવે છે, જે એક રીતે ઈશ્વર પ્રત્યેનું માનવીનું કૃતજ્ઞાાદર્શન પણ છે અને આખું વર્ષ ભગવાનની પ્રસાદીરૂપ પવિત્ર અન્ન જમવાની ભાવનાની અભિવ્યક્તિ પણ છે.

એમ પણ કહેવાયું છે કે વ્રજમાં સમસ્ત વ્રજમંડળને શ્રીકૃષ્ણ – રાધિકાજીના વિવાહ પ્રસંગે છપ્પન ભોગનું ભોજન કરાવાયું ત્યારથી હવેલીઓમાં છપ્પન ભોગ ધરાતો આવે છે. એક તર્ક એવો પણ છે કે ૮૪ લાખ યોનિમાં થતા જીવભ્રમણમાંથી એક મનુષ્ય યોનિ બાદ કરતાં બાકી વધતા આંક ૮૩૯૯૯નાં અંકોનો સરવાળો ૫૬ થાય, જે પ્રભુને સમર્પિત કર્યે જન્મમરણના ફેરામાં પડવું નથી પડતું!

- text

ભારતીય સંસ્કૃતિની એ વિશિષ્ટતા છે કે પહેલાં ભગવાનને અર્પણ કર્યા બાદ જ સૌ કોઈ એ અન્નકૂટની વિવિધ વાનગીઓને પ્રસાદ તરીકે ગ્રહણ કરતા હોય છે. ઈશ્વરે આપેલું જ બધું આપણે જમીએ છીએ તેવી ભાવના સાથે ભગવાનને ધરવામાં આવતા નવાં ધાન્યનાં અન્નકૂટની મધ્યમાં રાંધેલા ચોખાનો કૂટ (પર્વત આકારનો ઢગલો) કરવામાં આવે છે.

અન્નકૂટનાં પ્રથમ ગોળાકારમાં ‘સખડી’ એટલે કે ભાત, દાળ, શાક, કઠોળ વગેરે અને પછીના ગોળાકારમાં અનસખડી એટલે કે મિષ્ટાનો ગોઠવાય છે. અન્નકૂટને માટી અને વાંસના ટોપલામાં રાખવામાં આવે છે. તેમાં દૂધ, મેવા- મીઠાઈ, માખણ-મીસરીના મંડળો બનાવાય છે. ત્યારબાદ ઉત્સવનાં પદો અને થાળ ગવાય છે, આરતી થાય છે. સાંજ સુધી અન્નકૂટ સર્વ ભક્તોનાં દર્શનાર્થે રાખવામાં આવે છે, જે પછી પ્રસાદરૂપે વહેંચાય છે.

- text